(એજન્સી) તા.૨૪
તાજેતરમાં શિવસેનામાં જોડાઈ ચૂકેલી અભિનેત્રી-રાજનેતા ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, તેમને કોંગ્રેસ સાથેના પોતાના ઓછા સમયના સાથ માટે પસ્તાવો નથી અને તેમના મનમાં પાર્ટીના ટોચના નેતૃત્ત્વ પ્રત્યે અઢળક સન્માન છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે કોંગ્રેસ તરફથી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ગવર્નરના ક્વૉટાથી સીટની ઓફરને સ્વીકારવા ઈનકાર કરી દીધો હતો. જો કે, શિવસેનામાં આવ્યા બાદ તેમણે આ ઓફર સ્વીકારી હતી. તેમના નામની ભલામણ રાજ્યપાલ ભગત કોશિયારીને કરી દેવામાં આવી છે. પણ અત્યાર સુધી તેમના નામને મંજૂરી આપવામાં આવી નથી. ઉર્મિલાએ એક જાણીતી મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, હું પાર્ટીમાં છ મહિનાથી પણ ઓછા સમય માટે રહી હતી અને લોકસભા ચૂંટણીમાં ૨૮ દિવસના ચૂંટણી અભિયાનમાં મેં ઘણી સારી યાદો કેળવી હતી. પરિષદની સીટ પર કરાયેલા સવાલ અંગે તેમણે કહ્યું કે, મેં વિચાર્યું કે, જ્યારે મેં પાર્ટી છોડી દીધી હતી તો પછી તેમના તરફથી આપવામાં આવેલી ઓફર સ્વીકારવી યોગ્ય નહીં હોય. લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ કોંગ્રેસના ટોચના નેતૃત્વને મેં પત્ર લખ્યો હતો અને કહ્યું હતું પાર્ટીની આંતરિક લડાઈને કારણે કેમ્પેનને નુકસાન થયું. ઠાકરે સરકારની પ્રશંસા કરતા માતોંડકરે કહ્યું કે, મહાવિકાસ અઘાડીની સરકારનો અત્યાર સુધીનો કાર્યકાળ સારો રહ્યો છે. કોવિડ-૧૯ આઉટબ્રેક અને પ્રાકૃતિક આપત્તિઓમાં આ સમય હાલ પડકારજનક રહ્યો છે. કોંગ્રેસ અને શિવસેનાની વિચારધારામાં ફેરવાળા સવાલ અંગે કહ્યું કે, સેક્યુલર હોવાનો મતલબ એ નથી તમે કોઈ ધર્મમાં વિશ્વાસ નથી ધરાવતા. એક હિન્દુ હોવાનો મતલબ એ નથી કે તમે બીજા ધર્મથી નરફત કરો છો. શિવસેના હિન્દુત્ત્વવાદી પાર્ટી છે. હિન્દુ ધર્મ મહાન ધર્મ છે. સૌને સાથે લઈને ચાલે છે. મારો ઈરાદો નેક નેતા બનવાનો છે. હું કોઈ જાતિ ધર્મ અને ભેદભાવ વગર જ કામ કરવા માંગુ છું. હું એવી નેતા બનવા માગતી નથી જે એસી રૂમમાં બેસીને ટિ્‌વટ કરે છે. મારે શું કરવાનું છે અને કઇ રીતે કરવાનું છે તે હું જાણું છું. આગળ પણ હું શીખતી રહીશ.