(એજન્સી) તા.પ
અભિવ્યકિતની સ્વતંત્રતાની આડમાં ઉશ્કેરણીજનક કાર્ટૂનો પ્રસિદ્ધ કરવા માટે કુખ્યાત બનેલી ફ્રાન્સના મેગેઝીન ‘શાર્લી હેબ્દો’એ ફરી એકવાર પયગમ્બરે ઈસ્લામના કાર્ટૂન પ્રકાશિત કરતાં ઈરાને તીવ વિરોધ નોંધાવ્યો હતો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ શાર્લી હેબ્દોના આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડતાં કહ્યું હતું કે પયગમ્બરે ઈસ્લામ અને અન્ય પયગમ્બરો અંગે કોઈપણ પ્રકારનું અપમાન સહન કરવામાં નહીં આવે. વિદેશ મંત્રાલયના પ્રવકતા સઈદ ખતીબજાદે કહ્યું હતું કે અભિવ્યકિતની સ્વતંત્રતાના નામે ફ્રાન્સના મેગેઝીને તેના તુચ્છ અને અપમાનજનક કૃત્યનું પુનરાવર્તન કર્યું છે. આ કૃત્યથી વિશ્વભરના એકેશ્વરવાદીઓની લાગણી દુભાઈ છે. આ એક પ્રકારની ઉશ્કેરણી છે તેમજ એક અબજથી વધુ મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓનું અપમાન છે. ખતીબજાદે કહ્યું હતું કે ફ્રાન્સના મેગેઝીને જે કૃત્ય આચર્યું છે તેને અભિવ્યકિતની સ્વતંત્રતા ન ગણાવી શકાય પરંતુ અભિવ્યકિતની સ્વતંત્રતા એક ઉચ્ચપ્રકારનું મૂલ્ય છે જેના ઉપયોગ વડે જુદા જુદા ધર્મો વચ્ચે સમન્વય સાધવો જોઈએ. તેનો ઉપયોગ હંમેશાં રચનાત્મક હોવો જોઈએ.