(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે તે સમગ્ર રાષ્ટ્રને ખાતરી આપે છે કે લદ્દાખમાં ગલવાન ખીણ પ્રદેશમાં શહીદ થયેલા ભારતના સૈનિકોનું બલિદાન એળે નહીં જાય, અને ભારતને જ્યારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે તે જડબાતોડ જવાબ આપે છે. તે અંગે કોઇ સહેજપણ શંકા રાખવી જોઇએ નહીં. ભારત શાંતિ ઇચ્છે છે પરંતુ જો તેને ઉશ્કેરવામાં આવશો તો તે કોઇપણ પરિસ્થિતિમાં જડબાતોડ જવાબ આપવા પૂરેપૂરૂં સક્ષમ છે એમ વડાપ્રધાન મોદીએ સોમવારે લદ્દાખ સરહદે થયેલી હિંસક ઝપાઝપી બાદ ચીનને ગંભીર ચેતવણી આપતાં કહ્યું હતું.
કોરોના વાયરસની કટોકટીની દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ શરૂ કરે તે પહેલાં વડાપ્રધાને લદ્દાખમાં માતૃભૂમિની રક્ષા કરતાં કરતા શહીદ થઇ ગયેલા જવાનોના માનમાં ૨ મિનિટનું મૌન પાડ્યું હતું અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રને એ જાણીને અનહદ ગૌરવની લાગણી થશે કે ભારતીય સૈનિકો ચીનની સામે લડતા લડતા વીરગતિને પામ્યા હતા.
હું સમગ્ર રાષ્ટ્રને ખાતરી આપું છું કે દેશના જવાનોનું બલિદાન સહેજપણ વ્યર્થ જશે નહીં. અમારા માટે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ સૌથી મહત્ત્વનું છે એમ મોદીએ કહ્યું હતું. યાદ રહે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાએ મોદી ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એક મહિનાથી સરહદે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિ વિશે અને ૨૦ જવાનોની શહીદી વિશે તદ્દન ચૂપ થઇ ગયા છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે ભારત સારી રીતે જાણે છે કે મતભેદો વિવાદમાં ન પરિણમવા જોઇએ. અમે ક્યારેય કોઇની પણ ઉશ્કેરણી કરતાં નથી પરંતુ તે સાથે રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની બાબતે સહેજપણ સમાધાન કરી શકાય નહીં. જ્યારે જ્યારે પણ સમય આવ્યો હતો ત્યારે આપણે દેશની અખિંડતા અને સંપ્રભુતાનું રક્ષણ કરવામાં આપણી તાકાત અને ક્ષમતાને પૂરવાર કરી શક્યા છીએ. બલિદાન અને આફતમાંથી ફરીથી બેઠાં થવું એ અમારા રાષ્ટ્રિય ચારિત્ર્યમાં વણાયેલી બાબતો છે, પરંતુ તે સાથે હિંમત, બહાદૂરી અને શૌર્ય પણ અમારૂં રાષ્ટ્રીય ચારિત્ર્ય છે એમ મોદીએ ચેતવણીના સૂરોમાં કહ્યું હતું. યાદ રહે કે લદ્દાખમાં ભારત-ચીનની સરહદે પ્રવર્તી રહેલીં તંગ સ્થિતિની ચર્ચા કરવા શુક્રવારે તમામ પક્ષોની એક મિટિંગ બોલાવી છે. ભાજપના પ્રમુખે શુક્રવારે સાંજે ૫ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મિટિંગ બોલાવી છે.