(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા સમયાંતરે નોંધાયા બાદ આજરોજ ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વહેલી સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૩.૭ની નોંધાઈ હતી જ્યારે તેનું કેન્દ્રબિંદુ પાલનપુરથી ૧૩૭ કિ.મી. દૂર રાજસ્થાન તરફ નોંધાયું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પુનઃ ભૂકંપના આંચકા ચાલુ થયા છે ત્યારે બુધવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ઉત્તરગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો રીક્ટર સ્કેલ પર ૩.૭ની તીવ્રતાનો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાન તરફ હતું અને પાલનપુરથી ૧૩૭ કિમી દૂર હતું. ભૂકંપ આવતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા આંચકાથી લોકોમાં ડર સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે, આજના આ આંચકાને લીધે જાનમાલની નુકસાનીના કોઈ સમાચાર નથી.