વિદ્યાર્થીઓને પાટણ લાંબા થવું પડે છે

હિંમતનગર, તા.૧૬
સાબરકાંઠા અને અરવલ્લીની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિ.કક્ષાની કામગીરી માટે વર્ષોથી પાટણ જવું પડતું હતું જેને લઈને અનેક રજૂઆતો બાદ યુનિ.ના સત્તાવાળા દ્વારા થોડા મહિનાઓ અગાઉ સાબરકાંઠાના વડાલી ખાતે યુનિ.નું સબસેન્ટર મોટા ઉપાડે શરૂ કરાયું હતું. જ્યાં કેટલીક મર્યાદિત કામગીરી થઈ રહી છે. જેથી વિદ્યાર્થીઓને પાટણનો ધક્કો ખાધા વિના નિવેડો આવતો નથી. જેથી વડાલી સબસેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી તથા અન્ય સંલગ્ન કામગીરી શરૂ કરવી જોઈએ.
ઉત્તર ગુજરાત યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય નીતિન આર. સાધુના જણાવ્યા મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલી અંદાજે પ૦થી વધુ કોલેજો ઉત્તર ગુજરાત યુનિ. પાટણ સાથે જોડાયેલી છે. જેથી અનેક રજૂઆતો બાદ મોટા ઉપાડે સંસદ સભ્ય અને યુનિ.ના અધિકારીઓની હાજરીમાં વડાલી સબસેન્ટરનો પ્રારંભ કરાયો હતો. પરંતુ આ સબસેન્ટરમાં અત્યારે ફક્ત એનરોલમેન્ટની કામગીરી કરાઈ રહી છે. જો કે શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોએ કરેલી રજૂઆત બાદ તાજેતરમાં આ સબસેન્ટરમાં પરીક્ષાના ફોર્મ લેવાનું શરૂ કરાયું છે. પરંતુ તેમાં પણ ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે જ્યારે મેન્યુઅલ ફોર્મ લેવામાં આવતા નથી જેથી અનેક વિદ્યાર્થીઓને આ કામ માટે પાટણ ફરજિયાત જવું પડે છે. યુનિ.ના સત્તાવાળાઓ પાસે વડાલીના સબસેન્ટરમાં યુનિવર્સિટી કક્ષાની તમામ કામગીરી શરૂ કરવાની સત્તા હોવા છતાં કોણ જાણે કેમ વડાલી સબસેન્ટરમાં તમામ કામગીરી શરૂ કરાતી નથી. જેથી સાબરકાંઠા અને અરવલ્લીના વિદ્યાર્થીઓમાં ઉત્તર ગુજરાત યુનિ. કિન્નાખોરી રાખતી હોવાની છાપ ઉપસી રહી છે. જેથી સત્વરે સત્તાવાળાઓએ વડાલી સબસેન્ટરમાં તમામ કામગીરી શરૂ કરવાના આદેશ આપવા જોઈએ.