પાટણ, તા.૧૪
ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા બીએ, બી.કોમ સેમ-પની તથા એમએસસી આઈટીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માગણી સાથે યુનિવર્સિટી કેમ્પસમાં આજથી વિદ્યાર્થીઓ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. વિવિધ બેનરો સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરતાં ભારે હંગામા સાથે ઉત્તેજના છવાઈ હતી.
પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલીક પરીક્ષાઓ કોરોના મહામારી વચ્ચે ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે. ત્યારે આજે બીએ, બી.કોમ સેમ-પ અને એમએસસી આઈટીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માગણી સાથે વહીવટીભવન સામે આજથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળનો પ્રારંભ કર્યો છે. યુનિવર્સિટી જ્યાં સુધી ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય નહીં લે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીમાં ઓફલાઈન પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થીને પરીક્ષા દરમ્યાન કોરોનાનો ચેપ લાગશે તો જવાબદારી કોની ? યુનિવર્સિટીના સત્તાધીશો આ જવાબદારી લેવા તૈયાર છે ? યુનિવર્સિટીને ઓફલાઈન પરીક્ષા લેવી જ હોય તો દરેક વિદ્યાર્થીના પહેલાં વીમા ઉતરાવે તેવી માંગ કરી હતી.