(એજન્સી) તા.૯
ઉત્તર પ્રદેશમાં ૬૯ હજાર શિક્ષણ સહાયકોની ભરતીની પ્રક્રિયામાં એક નવો વળાંક આવ્યો છે. સુપ્રીમકોર્ટે શિક્ષણ સહાયકોની અરજીને ધ્યાને લેતાં ૩૭૩૩૯ જગ્યાઓ હાલ નહીં ભરવા ઉત્તર પ્રદેશની સરકારને આદેશ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના આ આદેશના પગલે રાજ્ય સરકારને હાલ શિક્ષકોની ભરતી પ્રક્રિયા અટકાવી દેવાની ફરડ પડી હતી. યાદ રહે કે, આ ભરતી પ્રક્રિયા તેના આરંભથી જ વિવાદના વમળોમાં અટવાઇ ગઇ છે કેમ કે, અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે ૩ જૂનના રોજ આ ભરતી પ્રક્રિયા ઉપર સ્ટે ઓર્ડર આપ્યો હતો.
વાસ્તવમાં છેલ્લી સુનાવણી દરમ્યાન કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને એક ચાર્ટના માધ્યમથી એમ દર્શાવવા કહ્યું હતું કે, અનામત બેઠકો માટે નિર્ધારિત ૪૦ ટકાને જનરલ વર્ગ માટે નિર્ધારિત ૪૫ ટકા કટઓફ માર્ક ઉપર કેટલાં શિક્ષણ સહાયકો પાસ થયા હતા જેની તમામ વિગતો એક ચાર્ટ દ્વારા રજૂ કરવામાં આવે. જો કે, શિક્ષણ સહાયકોનું કહેવું છે કે, લેખિત પરીક્ષા માટે કુલ ૪૫,૩૫૭ ઉમેદવારોએ ફોર્મ ભયા હતા જે પૈકી ૮૦૧૮ ઉમેદવારો ૬૦થી ૬૫ ટકા ગુણ સાથે પાસ થયા હતા.
આ અંગે શિક્ષણ સહાયકોનું એમ પણ કહેવું હતું કે, આશ્ચર્ય તો એ વાતનું છે કે, કેટલા શિક્ષણ સહાયકો ૪૦ અને ૪૫ ટકાના કટઓફ માર્ક સાથે પાસ થયા હતા તેની માહિતી કોઇની પાસે નથી, અને તેથી જ તેઓ માંગણી કરી રહ્યા છે કે ૬૯ હજાર જગ્યાઓ પૈકી ૩૭૩૩૯ જગ્યાઓ અનામત રાખવામાં આવે અને બાકીની જગ્યાઓ ઉપર ભરતીની પ્રક્રિયા પૂરી કરવામાં આવે અથવા તો સમગ્ર ભરતી પ્રક્રિયા ઉપર જ સ્ટે ઓર્ડર આપવામાં આવે. કોર્ટે હવે પછીની સુનાવણી માટે ૩ જુલાઇની તારીખ નક્કી કરી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલાં જ વિવાદાસ્પદ બનેલી આ ભરતી પ્રક્રિયા ઉપર અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે ૩ જૂનના રોજ સુનાવણી હાથ ધર્યા બાદ તરત જ સ્ટે ઓર્ડર પી દીધો હતો, અને હવે બુધવારે એટલે કે ૧૦ જૂનના રોજ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. યાદ રહે કે, આ કેસમાં લખનઉ બેંચ સ્ટે ઓર્ડ ઉઠાવી લે તો પણ ૩૭૩૩૯ જગ્યાઓ ઉપર હાલ ભરતી અટકાવી દેવાની રહેશે કેમ કે સુપ્રીમકોર્ટે તે જગ્યા નહીં ભરવાનો પોતાનો વચગાળાનો હુકમ આપ્યો છે.