(એજન્સી) તા.ર૦
ઉત્તર પ્રદેશમાં પુત્ર પ્રાપ્ત કરવાની ઘેલછામાં ભાન ગુમાવી ચૂકેલા એક વિકૃત માણસે માતાના ઉદરમાં ઉછરી રહેલાં બાળકની જાતી જાણવા તેની પત્નીનું એક તિક્ષ્ણ હથિયારથી પેટ ચીરી નાંખ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તે માણસની ધરપકડ કરી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. પન્નાલાલ નામનો આ માણસ હાલ પાંચ દીકરીઓનો પિતા છે અને તે ઘણાં સમયથી પુત્રની પ્રાપ્તિ માટે ઘેલછા ધરાવતો હતો. તે ઇચ્છતો હતો કે છઠ્ઠા સંતાન તરીકે તેની પત્ની પુત્રને જ જન્મ આપે. ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં આવેલા સીવીલ લાઇન પોલીસ સ્ટેશન હેઠળ આવતા નેકપુર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બદાયું પોલીસના જણાવ્યા અનુસાર પન્નાલાલ સામે સીવીલ લાઇન પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કોડની પેટા કલમ ૩૦૭ અંતર્ગત એફઆઇઆર નોંધી લેવામાં આવી છે. પ્રવિણ સિંઘ ચૌહાણ નામના એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકતા પીટીઆઇ સમાચાર સંસ્થાએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હિંસાના આ અત્યંત જઘન્ય અને અભૂતપૂર્વ બનાવ પાછળ કયું કારણ છુપાયેલું છે તેની જાણ કરવા તપાસ શરૂ કરી દેવાઇ છે. અત્યંત ગંભીર હાલતમાં બરેલીની હોસ્પિટલમાં લઇ જવાયેલી મહિલાના પરિવારજનોએ કહ્યું હતું કે પન્નાલાલ તેના છઠ્ઠા સંતાન તરીકે પુત્ર અવતરે એમ ઇચ્છતો હતો તેથી માતાના ઉદરમાં ઉચરી રહેલા બાળકની જાતિ જાણવા તેણે આ જગન્ય અપરાધ આચર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઇજાગ્રસ્ત મહિલાની હાલત અત્યંત નાજૂક છે અને તેના ઉદરમાં છ થી સાત મહિનાનો ગંર્ભ ઉછરી રહ્યો હતો.