(એજન્સી) તા.૨૨
ભારતીયો ગાયોથી ખરેખર પ્રભાવિત છે. હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર ગણવામાં આવે છે. ગાય આપણને દૂધ આપે છે. ગૌરક્ષાના નામે થતી હત્યામાં વધારાથી લઇને ગૌકલ્યાણ મંત્રાલયની રચના અને ગૌરક્ષા પોલીસચોકીથી લઇને હવે સત્તાવાર સરકારી નેજા હેઠળ ગૌમૂત્રને હેલ્થ ડ્રીંક તરીકે વેચવાની તૈયારી થઇ રહી છે. ઉ.પ્ર.માં પિલીભીતની સરકારી આયુર્વેદિક ફાર્મસીએ ગૌમૂત્રને એકત્ર કરીને તેને બોટલમાં પેક કરીને તેનું વેચાણ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હાલ આ ફાર્મસી આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરીને પ.યુપીના ૧૬ જિલ્લામાં સપ્લાય કરે છે. પિલીભીતના સરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ અને અધિક્ષક ડો.પ્રકાશચંદ્ર સકસેનાએ જણાવ્યું હતું કે માત્ર દવા તરીકે નહીં પરંતુ ગૌમૂત્રને હેલ્થ ડ્રીંક તરીકે વેચવાની અમે તૈેયારી કરી રહ્યા છીએ. આ માટે અમે એક પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે અને આ અંગે લખનૌના આયુર્વેદિક વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવશે.રોજ ૧૦થી ૨૦ એમએલ ગૌમૂત્ર પીવાથી ઘણી બીમારીઓમાંથી રાહત મળે છે.
ગૌમૂત્ર તાવ, શરદી અને પેટના દુખાવાની બીમારીમાં અકસીર છે. ગૌમૂત્રનું રોજ સેવન કરવાથી રોગપ્રતિરોધક શક્તિ વધે છે. અમારો હેતુ ગૌમૂત્રને લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો છે. ફાર્મસીના ઇન્ચાર્જ ડો.નરેશચંદ્ર ગંગવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદેશ જારી કરી દીધો છે અને અમે આ મહિનાથી ગૌમૂત્રનો ઉપયોગ દવામાં પણ કરીશું.
ગૌમૂત્ર આયુર્વેદિક ચિકિત્સાનો જ એક ભાગ છે અને અનેક સંશોધનો દ્વારા પુરવાર થયું છે કે ગૌમૂત્ર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગંગવારે જણાવ્યું હતું કે તાવ અને શરદી ઉપરાંત ગૌમૂત્રનો ઉપયોગ કેન્સર અને ચામડીના રોગોના ઇલાજ માટે પણ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવશે. આયુર્વેદિક દવાઓથી કોઇ નુકસાન થતંુ નથી એટલા માટે તેની માગ ઘણી વધી રહી છે.