(એજન્સી) તા.૨૪
ઉ.પ્ર.માં પત્રકાર તરીકે કામ કરવું એ પડકારરુપ કાર્ય છે. જો તમે કોઇ વહીવટી ખામી કે દોષયુક્ત નીતિ કે નિરાશાજનક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સંકેત આપશો અથવા કોઇ રાજકારણી , પોલીસકર્મી કે કોઇ અધિકારીને બેચેન કરશો તો તમે ધરપકડ વોરંટ અને કાનૂની નોટિસ મેળવવા તૈયાર રહેજો.
એ પણ જો તમે તમારી કહાણી કહેવા અથવા લાંબી કાનૂની લડત લડવા માટે જીવતા રહો તો તમે ખરેખર નસીબશાળી ગણાશો કારણ કે કમનસીબે એવા કોડીબંધ પત્રકારો પર શારીરિક હુમલા થયાં છે. વાર્ષિક વર્લ્ડ પ્રેસ ઇન્ડેક્ષ અને પેરિસ સ્થિત રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા ભારતને ૧૪૨માં નીચા ક્રમે મૂકવામાં આવ્યું છે. તાજેતરમાં રાઇટ્‌સ એન્ડ રીસ્ક અનાલિસીસ ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલ એક અહેવાલમાં જણાવાયું છે કે કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન પોતાની ફરજ બજાવતા ૫૫ પત્રકારોને નિશાન બનાવાવમાં આવ્યાં હતા. જેમાં ઉ.પ્ર. મોખરે હતું કે જ્યાં ૧૧ પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. જો કે રિપોર્ટ આવ્યા બાદ આ આંકડો વધી ગયો છે. તાજેતરમાં ગાઝિયાબાદ સ્થિત પત્રકાર વિક્રમ જોશીની તેમના જ નિવાસસ્થાન પાસે થયેલ હત્યાએ મીડિયા સાથે ઉ.પ્ર.માં કેવો વ્યવહાર કરવામાં આવે છે તેની યાદ તાજી કરી છે. ઉ.પ્ર.ના વારાણસીમાં પત્રકાર સુપ્રિયા શર્મા, ન્યૂઝ પોર્ટલ સ્ક્રોલના એક્ઝિક્યુટીવ એડિટર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી કારણ કે તમણે લોકડાઉન દરમિયાન ગરીબી પર રિપોર્ટીંગ કર્યું હતું. એપ્રિલ,૨૦૨૦માં લોકડાઉનના ઉલ્લંઘન પર એક રિપોર્ટ સિદ્ધાર્થ વરદરાજન વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એ જ રીતે મે,૨૦૨૦માં ક્વોરન્ટાઇન ખાતે નિષ્કાળજી પર રિપોર્ટીંગ કરનાર રવિન્દ્ર સકસેના સામે એફઆઇઆર દાખલ કરાઇ હતી. માર્ચ, ૨૦૨૦માં ભૂખમરા પર રિપોર્ટીંગ કરનાર વિજય વિનીત અને મનિષ મિશ્રાને નોટિસ ફટકારવામાં આવી હતી. ડિસે.૨૦૧૯માં ધ હિંદુના સંવાદદાતા ઓમર રશીદની સીએએ મામલે રિપોર્ટીંગ કરવા બદલ અટકાયત કરાઇ હતી. આમ ઉ.પ્ર.માં પત્રકારત્વ એ હવે એક ભયજનક અને જોખમી વ્યવસાય બની ગયો છે. પત્રકારો પર હિંસક હુમલા અને મીડિયાની કનડગતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.