(એજન્સી) તા.૩૦
એક બાજુ દેશ જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે તો બીજી બાજુ ઉ.પ્ર. સરકારે વણકરો વિરુદ્ધ એક પ્રકારનું યુદ્ધ છેડ્યું હોય એવું જણાય છે એવું સામાજિક કર્મશીલ અને બુનકર સાજા મંચના સભ્ય મનિષે જણાવ્યું હતુ. ઉ.પ્ર.ના વણકર પોતાના અધિકારો માટે સંગઠિત રીતે લડત આપવા બુનકર સાજા મંચના નેજા હેઠળ એકત્ર થયાં છે. તેમાં ગોરખપુર, આઝમગઢ, દેવરીયા, બનારસ અને મોઉના વણકરોનો સમાવેશ થાય છે.
ભારતીય કાપડ ઉદ્યોગમાં પાવરલૂમ સેક્ટર મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ભારતીય અર્થતંત્રમાં ભારતીય કાપડ ઉદ્યોગનું મહત્વપૂર્ણ યોગદાન છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર બાદ તે સૌથી મોટા એમ્પ્લોયર છે અને જંગી કાચી સામગ્રી અને કાપડ ઉત્પાદન સાથે વિશ્વમાં સૌથી વિશાળ ગણાય છે.તે કાપડ ઉત્પાદન પ્રવૃત્તિમાં છ કરોડ લોકોને રોજગાર આપે છે.
ભારતીય કાપડ ઉદ્યોગના ત્રણ મુખ્ય વિભાગો છે તેમાં બિલ સેક્ટર, બિલ હેન્ડલૂમ સેક્ટર અને વિકેન્દ્રીત પાવરલૂમ સેક્ટરનો સમાવેશ થાય છે. ઉ.પ્ર.માં પાવરલૂમના વણકરો તેમના પર લાદવામાં આવેલ નવી વીજ દરના વિરોધમાં ૧, સપ્ટે.થી હડતાલ પર ઉતર્યા હતાં. તેમણે જૂના ટેરીફ દર પુનઃ પ્રસ્થાપિત કરવાની માગણી કરી હતી અને સરકારને અલ્ટીમેટમ તરીકે હડતાલ શરુ કરી હતી.
આઝમગઢમાં રહેતાં પાવરલૂમના એક વણકરે જણાવ્યું હતું કે જો તેઓ અમારી માગણી પર ધ્યાન આપશે નહીં તો અમે રસ્તા પર આવી જઇશું અને વિરોધ કરીશું.તેમણે જણાવ્યું હતું કે વણકર સમુદાય હાલ ભુખમરાને આરે આવીને ઊભો છે. તેમના અધિકારો માટે લડત આપવા અને જીવ ગુમાવવા પણ તૈયાર છે. વણકરોના જણાવ્યા અનુસાર નવા વીજ દર તેમના ઉત્પાદનના ખર્ચને વધારશે અને તેમને બિઝનેસ છોડી દેવાની ફરજ પડશે. તેમણે જણાવ્યું હતું કે ઉ.પ્ર.ના વણકરોને લોકડાઉન વચ્ચે પણ સરકાર તરફથી કોઇ સહાય કે સહયોગ પ્રાપ્ત થયો નથી. તેમણે જણાવ્યું હતું કે અમારુ ભવિષ્ય ડામાડોળ છે અને તેથી અમે ચિંતિત છીએ. જો અમારી માગણીઓ સાંભળવામાં નહીં આવે તો અમે ફરીથી અમારી હડતાલ શરૂ કરવા તૈયાર છીએ.