(એજન્સી) તા.૩૦
અભિનેતા ઈરફાનખાન જન્નતનશીન થયા તેના બીજા દિવસે એટલે કે, ગુરૂવારે ડી-ડે ફિલ્મમાં તેમની સાથે કામ કરનાર પીઢ અભિનેતા ઋષિ કપૂરનું ગુરૂવારે નિધન થયું હતું. આ બન્નેના નિધનથી બોલીવુડ અને તેમના ચાહકો આઘાતમાં છે ત્યારે સોશિયલ મીડિયામાં ર૦૧૩માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ડી-ડેનો એક સીન વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ બન્ને અભિનેતાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નિખિલ અડવાણીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ઋષિ કપૂર પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટરની ભૂમિકામાં છે. જ્યારે ઈરફાનખાને સિક્રેટ એજન્ટની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ઋષિ કપૂર અને ઈરફાનખાનની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં બન્ને અભિનેતાઓની ભૂમિકા પ્રશંસનીય હતી. ઈરફાનખાન અને ઋષિ કપૂર પણ એકબીજાના પ્રશંસક હતા. એક ઈન્ટરવ્યુમાં ઈરફાનખાને કહ્યું હતું કે, હું આ કયારેય ન વિચારી શકું કે હું ઋષિ કપૂર બની શકું.