અમદાવાદ, તા.ર૧
ગુજરાતમાં એઈમ્સ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને કરેલી દરખાસ્તના પ્રશ્નની ગૃહમાં ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. જેમાં કોંગ્રેસના સભ્યએ રાજકોટમાં એઈમ્સ શરૂ કરવાની માંગ કરી હતી તો સામે ભાજપના સભ્યએ એઈમ્સ વડોદરામાં શરૂ કરવાની માંગ કરી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એઈમ્સ માટેના સ્થળનો નિર્ણય કેન્દ્ર સરકાર કરશે. એઈમ્સ માટે જરૂરી માપદંડોનો સર્વે કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીમાં એઈમ્સ શરૂ કરવાના પ્રશ્ને ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કોઈ ગંભીર હાલતમાં હોય તો તેને સારવાર માટે છેક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવા પડે છે ત્યારે સૌરાષ્ટ્રને એઈમ્સ હોસ્પિટલ મળવી જોઈએ તેવી માંગ ધારાસભ્ય રિબડિયાએ કરી હતી. તેમજ કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ પણ એઈમ્સ સૌરાષ્ટ્રને મળે તેવી માંગ કરી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગી સભ્યને જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્રમાં સરકાર આવી પછી તમે એઈમ્સ શબ્દ સાંભળ્યો છે. આ મુદ્દે વધુ ગુસ્સો કરતા તેમણે કોંગ્રેસના સભ્યને આવો સવાલ કર્યો હતો કે તમને એઈમ્સનો અર્થ ખબર હોય તો બોલો. બોલવામાં સુરા અને કરવામાં બુરા એનું નામ કોંગ્રેસ. ગૃહમાં બેઠેલા કોંગ્રેસના જે સભ્ય જ્યારે સાંસદ હતા ત્યારે તેમણે એઈમ્સ માટે કંઈ કર્યું નથી. કહીને નીતિન પટેલે કોંગ્રેસના સભ્યોને આડેહાથ લીધા હતા ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમ માડમએ ઊભા થઈને નીતિન પટેલના નિવેદનનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અધ્યક્ષે તેને બોલવાની તક આપી ન હતી. જો કે એઈમ્સને સૌરાષ્ટ્રમાં આપવાની માંગ કોંગ્રસના સભ્યોએ કર્યા બાદ ભાજપના વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પણ એઈમ્સ વડોદરાને આપવાની માગ ગૃહમાં કરી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસ ઉપર વાત કરતા કહ્યું કે કોંગ્રેસની ભાગલા પડાવવાની નીતિ છે. તેના અંતર્ગત એઈમ્સ સૌરાષ્ટ્રને આપવાાની માંગનો મમરો કોંગી ધારાસભ્યએ મૂક્યો હતો. એઈમ્સ માટે રાજ્ય સરકારે રાજકોટ અને વડોદરા જિલ્લાની દરખાસ્ત કરી છે. પરંતુ સ્થળ માટેની પસંદગી અગ્રતા ધોરણે કેન્દ્ર દ્વારા જાહેર કરાશે. આમ વિધાનસભા ગૃહમાં એઈમ્સ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા.