(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
એક તરફી પ્રેમમાં પરિણીત મહિલા પાછળ પડેલા સોનુ રવાનીએ મહિલાને વાતચીત કરવાના બહાને મકાનમાં લઈ જઈ બળજબરી કરતા આરોપી સોનુએ ગળુ દબાવી મારી નાંખવાની કોશિશ કર્યાની ઘટના પાંડેસરા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા તેરેનામ રોડ મરાઠા નગરમાં રહેતો સોનુ રવાની નામનો યુવક ફરિયાદી પરિણીત મહિલા સાથે એક તરફી પ્રેમ કરતો હતો. આરોપી વારંવાર ફરિયાદીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ ફરિયાદી મહિલા ના પાડતી હતી. દરમિયાન ગત તા.૨૪/૧૦/૧૯ના રોજ બપોરે મહિલા પોતાની દીકરીને સ્કૂલે મૂકીને પરત ફરતી હતી. ત્યારે આરોપીએ ફરિયાદીને રોકી વાતચીત કરવાના બહાને સોસાયટીમાં રહેતાં એક બેનના રૂમમાં લઈ જઈ બળજબરી કરી હતી. જેથી ફરિયાદીએ પ્રતિકાર કરતાં આરોપીએ ફરિયાદી મહિલાનો દુપટ્ટાથી ગળે ટૂંપો દઈ હત્યાની કોશિશ કરી હતી. બનાવ અંગે પાંડેસરા પોલીસે પીડિત મહિલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.