(એજન્સી) તા.૨૯
૧૪ દિવસ સુધી આઈસોલેશનમાં રહ્યાં બાદ બુધવારથી મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કા પહોંચવા લાગ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખી ન ફક્ત શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે પણ આવનારા શ્રદ્ધાળુઓના જથ્થામાં ૨૦થી વધુ લોકોને સમાવાયા નથી.
મક્કા પહોંચનાાર તમામ શ્રદ્ધાળુઓના ફેસ માસ્કથી મોંઢા ઢંકાયેલા દેખાયા હતા. મહામારીને ધ્યાનમાં રાખી આ વખતે સ્વાસ્થ્ય અંગેના ઉપાયોને જોવામાં આવે તો હજયાત્રાને પ્રતિકાત્મક માનવામાં આવી રહી છે. દુનિયાભરના શિયા, સુન્ની અને બીજા મુસ્લિમ સંપ્રદાયના લગભગ ૨૫ લાખ લોકો દર વર્ષે હજ યાત્રા પર આવે છે.
આ લોકો ન ફક્ત એકસાથે પ્રાથના કરે છે પણ એકસાથે ભોજન અને શૈતાનને પથ્થર મારવાની પરંપરા પૂરી કરે છે. જોકે કોરોનાને લીધે આ વખતે શ્રદ્ધાળુઓને ન ફક્ત પોતાની હોટેલના રૂમમાં પહેલાથી પેક કરેલું ભોજન અપાઇ રહ્યું છે પણ આ દરમિયાન એકબીજાથી શારીરિક અંતર પણ જાળવી રાખવું પડી રહ્યું છે.
ગત ૧૦૦ વર્ષમાં આ પ્રથમ વખત છે કે જ્યારે સાઉદી અરબની સરકારે વિદેશથી આવેલા કોઈ વ્યક્તિને મંજૂરી આપી નથી. પહેલાથી સાઉદી અરબમાં રહેતાં એક હજાર લોકોને જ હજયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી બે તૃતીયાંશ લોકો ૧૬૦ દેશોના છે. એક તૃતીયાંશ સાઉદી સુરક્ષાકર્મી અને મેડીકલ કર્મચારીઓ છે.