(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
શહેરના ફતેગંજ બ્રિજ નીચે આજે સવારે એકાએક કાર સળગી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. સમય સુચકતા વાપરી કારમાં બેઠેલા ૫ લોકો નીચે ઉતરી ગયા હતા. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા કાર સળગીને ખાખ થઇ ગઇ હતી. સદ્‌નસીબે કોઇ જાનહાની થવા પામી નથી. પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના સમા વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં રહેતા મુળુભાઇ મછાર પ્લમ્બિંગનો વ્યવસાય કરે છે. આજે સવારે ૯ વાગ્યાના સુમારે તેઓ તેમના ચાર ગરીબ કારીગરો સાથે મંજુસર જીઆઇડીસી જવા માટે નિકળ્યા હતા. તેઓ જ્યારે ફતેગંજ બ્રિજ નીચે પહોંચ્યા તે સમયે અચાનક જ કારમાંથી ધુમાડો નિકળવા લાગ્યો હતો. તેથી કાર બાજુમાં ઉભી કરી દઇ પાંચેય જણાં નીચે ઉતરી ગયા હતા. થોડી જ વારમાં કારમાં આગ ફાટી નિકળી હતી. આગે આખી કારને પોતાની ઝપેટમાં લઇ લીધી હતી. જેથી રોડ બંધ કરાવી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ કાર તે પહેલા સળગીને ખાખ થઇ ગઇ હતી. ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, કારમાં પુરતું મેન્ટેનન્સ અને તકેદારીનો અભાવ હોવાથી આગ લાગી હોવાનું જણાય છે.