(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં તમામ તબક્કા માટેની ચૂંટણી પુરી થયા બાદ આજે વિવિધ સર્વે દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા છે જેમાં બે મોટા રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લગભગ તમામ સર્વેમાં કોંગ્રેસે બાજી મારી છે જ્યારે ભાજપનો પરાજય નિશ્ચિત જણાઇ રહ્યો છે. તેલંગાણામાં કે ચંદ્રશેખર રાવની સરકાર ફરી બને તેવા સંકેત છે જ્યારે છત્તીસગઢમાં કેટલાક સર્વેમાં કોંગ્રેસને અને કેટલાકમાં ભાજપને આગળ દર્શાવાયો છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશની લડાઇમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર દર્શાવાઇ છે. કોંગ્રેસને ૧૦૪-૧૨૨ બેઠકો જ્યારે ભાજપને ૧૦૨-૧૨૦ બેઠકો દર્શાવવામાં આવી છે. બીજી તરફ ટાઇમ્સ નાઉ-સીએનએક્સે મધ્યપ્રદેશમાં ભાજપને ચોખ્ખી બહુમતી સાથે ૧૨૬ બેઠકો આપી છે અને કોંગ્રેસને ૮૯ બેઠકો દર્શાવી છે. રાજસ્થાનમાં કોંગ્રેસને લગભગ તમામ એક્ઝિટ પોલમાં ૧૧૫-૧૪૧ બેઠકો આપવામાં આવતા તેની સ્પષ્ટ બહુમતી દર્શાવી દીધી છે.
છત્તીસગઢ વિધાનસભાની ૯૦ બેઠકો માટે તમામ એક્ઝિટ પોલના આંકડામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી રસાકસી દર્શાવાઇ છે. ૧૧૯ બેઠકોવાળી તેલંગાણા વિધાનસભામાં કે ચંદ્રશેખર રાવની આગેવાનીવાળી ટીઆરએસને બહુમતી દર્શાવાઇ છે. બીજી તરફ મિઝોરમમાં ટાઇમ્સ નાઉ સીએનએક્સે એમએનએફને ૧૮ જ્યારે કોંગ્રેસને ૧૬ બેઠકો દર્શાવી છે. બીજી તરફ રિપબ્લિક-સીવોટરે એમએનએફને ૧૬-૨૦ બેઠકો દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, તમામ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આગામી ૧૧મી ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવશે. રાજસ્થાન અને તેલંગાણામાં શુક્રવારે મતદાન પુરું થતા જ વિવિધ સમાચાર ચેનલો દ્વારા એક્ઝિટ પોલ બહાર પડાયા હતા. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ૨૮મી નવેમ્બરે મતદાન થયું હતું. છત્તીસગઢમાં બે તબક્કામાં ૧૨ અને ૨૦મી નવેમ્બરે મતદાન થયું હતું. આ તમામ રાજ્યોના પરિણામ ૧૧મી ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવશે.
મધ્યપ્રદેશ : એક્ઝિટ પોલ અનુસાર મધ્યપ્રદેશમાં મોટાભાગે કોંગ્રેસને આગળ દર્શાવવાની સાથે જ બંને પક્ષો વચ્ચે આકરી ટક્કર થવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે. આઠ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સરેરાશ ૧૧૩ બેઠકો દર્શાવાઇ છે જ્યારે ભાજપને ૧૦૭ બેઠકો આપી છે અને અન્યને સરેરાશ ૧૦ બેઠકો આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૩માં ભાજપે અહીં ૧૬૫ બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે ફક્ત ૫૮ બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે ચાર બેઠકો બીએસપી અને અન્યને ત્રણ બેઠક મળી હતી.
છત્તીસગઢ : મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય છત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કર દર્શાવાઇ છે જેમાં આઠ એક્ઝિટ પોલમાં બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ દર્શાવાયો છે. ભાજપને સરેરાશ ૪૦ અને કોંગ્રેસને ૪૪ તથા અન્યોને છ બેઠકો અપાઇ છે. છત્તીસગઢમાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો છે અને બહુમતી માટે ૪૬નો આંકડો જોઇએ. વર્ષ ૨૦૧૩માં ભાજપે માંડમાંડ ૪૯ બેઠકો મેળવી જીત હાંસલ કરી હતી જ્યારે કોંગ્રેસે ૩૯ બેઠકો મેળવી હતી અને બીએસપીને એક બેઠક મળી હતી.
રાજસ્થાન : રાજસ્થાનમાં કોંગ્રેસ સરળતાથી સરકાર બનાવવાની સ્થિતિમાં છે અને તમામ એક્ઝિટ પોલમાં તેને બહુમતીના આંકડા કરતા પણ ઘણી વધારે બેઠકો અપાઇ છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ઓછામાં ઓછી ૧૧૫ અને ભાજપને ૭૬ બેઠકો આપવામાં આવી છે. અન્ય પક્ષોને આઠ બેઠકો ફાળવાઇ છે. રાજસ્થાનમાં ૨૦૦ વિધાનસભા બેઠકો છે પણ અહીં એક ઉમેદવારના નિધન બાદ ૧૯૯ બેઠકો પર મતદાન થયું હતું. ૨૦૧૩માં ભાજપે અહીં ૧૬૩ બેઠકો જીતી સપાટો બોલાવ્યો હતો જ્યારે કોંગ્રેસને ૨૧ બેઠકો મળી હતી. અન્ય પક્ષોએ ૧૩ બેઠકો પર જીત મેળવી હતી.
તેલંગાણા : તેલંગાણામાં વહેલી વિધાનસભા ભંગ કરવાનો ફાયદો કે ચંદ્રશેખર રાવને મળતો દેખાઇ રહ્યો છે અને એક્ઝિટ પોલમાં ટીઆરએસને મોટાભાગે બહુમતી દર્શાવાઇ છે. એક્ઝિટ પોલમાં ટીઆરએસને ૬૬, કોંગ્રેસના ગઠબંધનને ૩૯ બેઠકો ફાળવવામાં આવી છે જ્યારે ભાજપને પાંચ બેઠકો મળી શકે છે. ૨૦૧૪માં ટીઆરએસે અહીં ૬૩ બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે ૨૧, ટીડીપીએ ૧૫, ભાજપે પાંચ અને એઆઇએમઆઇએમે સાત તથા વાયએસઆરસીપીએ ત્રણ બેઠકો જીતી હતી.
મિઝોરમ : ઉત્તરપૂર્વમાં પોતાની સત્તાવાળા છેલ્લા રાજ્યમાં પણ કોંગ્રેસ બહુમતી ગુમાવતી દેખાઇ રહી છે. એક્ઝિટ પોલ અનુસાર એમએનએફને ૧૬થી ૨૦ બેઠકો મળી શકે છે અને અડધા માર્ગ સુધી આવતી દેખાય છે બીજી તરફ કોંગ્રેસ પણ ઘણા ઓછા અંતર સાથે ૧૪-૧૮ બેઠકો મેળવે છે. ૨૦૧૩માં કોંગ્રેસે ૩૪ બેઠકો જીતી હતી, એમએનએફે પાંચ જ્યારે એમપીસીએ એક બેઠક જીતી હતી.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ
ક્યા રાજ્યમાં કયા પક્ષને કેટલી સીટ ?
મધ્યપ્રદેશ
ચેનલ્સ ભાજપ કોંગ્રેસ અન્ય
ઇન્ડિયા ટુડે- એક્સિસ માય ઇન્ડિયા ૧૦૨-૧૨૦ ૧૦૪-૧૨૨ ૪-૧૧
ટાઇમ્સ નાવ-સીએનએક્સ ૧૨૬ ૮૯ ૧૫
————
રાજસ્થાન
ઇન્ડિયા ટુડે- એક્સિસ માય ઇન્ડિયા ૫૫-૭૨ ૧૧૯-૧૪૧ ૦૦
ટાઇમ્સનાવ-સીએનએક્સ ૮૫ ૧૦૫ ૦૯
———
છત્તીસગઢ
ટાઇમ્સનાવ-સીએનએક્સ ૪૬ ૩૫ ૦૯
રીપબ્લિક – સી વોટર ૩૫-૪૩ ૪૦-૫૦ ૩-૭
ન્યૂઝ નેશન ૩૮-૪૨ ૪૦-૪૪ ૦-૧૬
ઇન્ડિયા ટુડે- એક્સિસ માય ઇન્ડિયા ૨૧-૩૧ ૫૫-૬૫ ૪-૮
————–
તેલંગાણા
ચેનલ્સ કોંગ્રેસ-ટીડીપી ટીઆરએસ ભાજપ અપક્ષ
ટાઇમ્સનાવ-સીએનએક્સ ૩૭ ૬૬ ૦૭ ૦૯
રીપબ્લિક ટીવી-જન કી બાત ૩૮-૫૨ ૫૦-૬૫ ૪-૭ ૮-૧૪
ઇન્ડિયાટુડે-એક્સિસ માય ઇન્ડિયા ૨૧-૩૩ ૭૯-૯૧ ૧-૩ ૦૦
———–
મિઝોરમ
ચેનલ્સ કોંગ્રેસ એમએનએફ ઝેડપીએમ અપક્ષ
સી-વોટર ૧૪-૧૮ ૧૬-૨૦ ૩-૭ ૦-૩

રાજસ્થાનમાં ૭૨, તેલંગાણામાં ૭૦ ટકાથી વધુ મતદાન : ૧૧મી ડિસેમ્બરે પરિણામ

જયપુર/હૈદરાબાદ, તા.૭
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે. રાજસ્થાનમાં ૫ વાગ્યા સુધીમાં ૭૨.૧૪ ટકા મતદાન થયું છે. રાજસ્થાનની કુલ ૧૯૯ બેઠકો પર મતદાન યોજાયું હતું. મતદાન દરમિયાન અનેક જગ્યાએ ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદો ઊઠી હતી. બીકાનેર અને જયપુરમાં ઈવીએમ મશીન ખરાબ થયા હતા. જેથી થોડાવાર માટે મતદાન રોકવામાં આવ્યુ હતું. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ ૨૦૦ બેઠકો છે. પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠકના બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે ચૂંટણી પંચે મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડ જિલ્લાના ઝારલપાટનમાંથી મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસી નેતા સચિન પાયલટે જણાવ્યું છે કે, ચૂંટણી જીત્યા પછી તેઓ મુખ્યમંત્રી નક્કી કરશે. જયપુર બુથ પર મતદાન કરવા પહોંચેલા મુખ્ય સચિવ ડીબી ગુપ્તાને ઈવીએમમાં ખરાબી હોવાના કારણે ૨૦ મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જ્યારે બીકાનેરમાં વોટ નાખવા પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને ઈવીએમ ખરાબ હોવાના કારણે ૩ કલાક લાઈનમાં ઉભા રહેવા પડ્યું. તેઓ ૮ વાગ્યાના લાઈનમાં ઉભા હતા ત્યારે ૧૧.૩૦ વાગે મતદાન કરી શક્યા હતા.
તો બીજી બાજુ તેલંગાણમાં પણ શાંતિપૂર્ણ મતદાન યોજાયું. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટ માટે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને લાંબી લાઈનોમાં લોકો મતદાન કરવા ઉમટ્યા હતા. તેલંગાણમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૭૦થી વધુ મતદાન નોંધાયુ હતુ. ભાજપના સાંસદ બંદારૂ દત્તાત્રેયે હૈદરાબાદના મુશરરાબાદ મતવિસ્તારના રામનગરમાં બૂથ સંખ્યા ૨૯૨માં મતદાન કર્યું. ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ હૈદરાબાદમાં મતદાન કર્યું.

રાજસ્થાન ચૂંટણી ૨૦૧૮ : સિકરના ફતેહપુરમાં
હિંસાથી મતદાન ખોરવાયું, કારો આગને હવાલે કરાઈ

(એજન્સી) જયપુર, તા. ૭
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન મોટાપાયે ઇવીએમમાં ખરાબી હોવાની ફરિયાદો સામે આવી જ્યારે મતદાન કેન્દ્રો પર ભારે ભીડ પણ જોવા મળી હતી. જ્યારે રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં મતદાન દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ પણ મળ્યા હતા. હિંસક તત્વોને શાંત કરવા માટે ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મીઓએ હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ફતેહપુર શેખાવટીમાં મતદાન માટે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. અહીં ચમડિયા કોલેજ પાસે વિવાદ થયો હતો. બે જૂથો વચ્ચે અથડામણ દરમિયાન એક વ્યક્તિને ઇજા થઇ હતી ત્યારબાદ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા. ભારે હોબાળાને જોતાં ઘટનાસ્થળે ભારે પોલીસદળો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૯૯ પર મતદાન થયું હતું. બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના નિધનને કારણે અલવર જિલ્લાના રામગઢ વિધાનસભા વિસ્તારમાં મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતુું. રાજ્યમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.

છત્તીસગઢમાં ઇવીએમ સ્ટ્રોંગરૂમમાંથી રિલાયન્સ
જીયોના બે કર્મીની લેપટોપ સાથે અટકાયત

(એજન્સી) રાયપુર, તા. ૭
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન સમાપ્ત થતા જ રાજ્યના લોકો ચૂંટણીના પરિણામની રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન જગદલપુર સ્ટ્રોંગરૂમમાં ઘુસી રહેલા રિલાયન્સ જીયોના બે કર્મચારીઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે. સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર ગુરૂવારે જગદલપુરમાં બે વ્યક્તિ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં લેપટોપ સાથે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયા હતા. તેઓ પોતાને જીયોના કર્મચારી ગણાવે છે. અહેવાલો અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા વ્યક્તિઓ કહે છે કે, તેઓ રિલાયન્સ જીયોના કર્મચારી છે. પોલીસ અનુસાર ઓળખકાર્ડ વિના કોઇ વ્યક્તિ સ્ટ્રોંગરૂમમાં પ્રવેશ કરી શકે નહીં. હાલ બંને યુવકોને હિરાસતમાં લઇ પુછપરછ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર જગદલપુરના મહિલા પોલિટેકનિક ખાતેના સ્ટ્રોંગરૂમમાં બે યુવક ઘુસી આવ્યા હતા. યુવકોને સ્ટ્રોંગરૂમમાં જોતા જ લોકોએ પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને યુવકોને પકડી લીધા હતા. પૂછપરછમાં બંને યુવકોએ પોતાને રિલાયન્સ જીયોના કર્મચારી ગણાવ્યા હતા. બીજી તરફ પત્રકાર પ્રશાંતકુમારે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં દાવો કર્યો છે કે, ધરપકડ કરાયેલા પુરૂષોની સંખ્યા ત્રણ હતી અને તેઓ રિલાયન્સ જીયોના કર્મચારી છે. તેમણે લખ્યું છે કે, રિલાયન્સ જીયો સાથે કામ કરવાનો દાવો કરતા ત્રણ વ્યક્તિને છત્તીસગઢના જગદલપુરમાં સ્ટ્રોંગરૂમમાંથી ધરપકડ કરાયા છે.