(એજન્સી) ગોરખપુર, તા.૧૧
મંગળવારે ગોરખપુરમાં ૬૦ વર્ષના એક નિવૃત્ત પોલીસ ઈન્સ્પેકટર અને તેના પુત્રની અજાણ્યા લોકોએ ગોળી મારી હત્યા કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ટોળાએ આ ડબલ હત્યાના વિરોધમાં પોલીસની જીપ સળગાવી હતી તેમજ પોલીસ પર પથ્થરો ફેંકયા હતા. ટોળાએ રસ્તા રોકી હત્યારાઓની ધરપકડની માગણી કરી હતી. આ હત્યા પાછળ અંગત અદાવતની શંકા સેવાઈ રહી છે. નિવૃત્ત પોલીસ ઈન્સ્પેકટર જયહિન્દ યાદવ અને તેનો પુત્ર નગેન્દ્ર યાદવ (રપ) કોર્ટમાં સુનાવણી બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગોબદાઉ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ઠાર કર્યા હતા. પોલીસે કહ્યું કે જયહિન્દ યાદવના મોટા ભાઈની બે વર્ષ પૂર્વે હત્યા કરાઈ હતી જે અંગત અદાવતથી કરાઈ હતી. બે વ્યક્તિઓએ બાઈકને ઘેરી પિતા-પુત્રને ઠાર કર્યા હતા. આ હત્યાથી લોકોમાં ગુસ્સો તૂટી પડ્યો હતો. બન્નેના મૃતદેહો પીએમ માટે મોકલાયા હતા. હિંસા બાદ ભારે પોલીસ દળ ખડકી દેવાયું હતું. પોલીસ વડા માથુરે કહ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ગુનેગારોને જલ્દીથી પકડી લેવાશે.