(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૧
રાજ્યમાં કોરોના રોજેરોજ નવા-નવા રેકોર્ડ સર્જતો જાય છે. ત્યારે આજે તો ઓલ ટાઈમ હાઈ એટલે કે ૧ હજારને પાર કરી ગયો હતો અને ૧૦૨૬ નવા દર્દીઓ નોંધાયા હતા જ્યારે તેની સામે ૭૪૪ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે મોતનો આંક છેલ્લા કેટલાંક સમયથી કાબૂમાં હતો તેમાં આજે અચાનક ઉછાળો આવતા ૩૪ મોત નોંધાયા હતા. રાજ્યમાં સુરત આજે પણ કોરોના પોઝિટિવ અને મોતના મામલે ટોપ પર રહ્યું હતું. સુરતમાં આજેે ૨૨૫ કેસ સાથે ૧૪ મોત નોંધાયા હતા.
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૧૦૨૬ કેસ નોંધાતા કુલ આંકડો ૫૦,૪૬૫ પર પહોંચ્યો છે. જ્યારે ૭૪૪ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૩૩,૪૦૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૩૪ દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં ૨,ર૦૧ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ૧૩ જુલાઈથી શરૂ કરીને આજે ર૧ જુલાઇ દરમિયાન ૯૦૦થી વધુ કેસ નોંધાયા હતા તો આજે ૨૧ જુલાઇના રોજ પ્રથમ વખત ૧ હજારથી વધુ કેસ નોંધાયા છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં ૨૯૮ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ૨૨૫ અને સુરત જિલ્લામાં ૭૩ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૧૦,૨૭૬ પર પહોંચ્યો છે. સુરતમાં આજે ૧૭૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો ૭,૦૬૩ પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં ૨૧ દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૨૯૨ દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ ૨૯૨૦ એક્ટિવ કેસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૯૯ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮૭ અને અમદાવાદ જિલ્લામાં ૧૨ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૪,૭૫૮ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૨૦૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો ૧૯૪૨૯ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૬ દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૫૫૯ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં ૩૭૭૯ એક્ટિવ કેસ છે.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં સુરત અને અમદાવાદ જિલ્લા સિવાયના શહેરોની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં ૬૦ અને જિલ્લામાં ૧પ મળી ૭પ, રાજકોટ કોર્પોરેશનમાં ૪પ અને જિલ્લામાં ૧૩ મળી પ૮, દાહોદમાં ૩૯, ભાવનગર કોર્પોરેશનમાં ર૬ અને જિલ્લામાં ૧ર મળી ૩૮, બનાસકાંઠામાં રપ, સુરેન્દ્રનગરમાં ર૧, પાટણમાં ર૦, ગાંધીનગર જિલ્લામાં ૧૯ અને કોર્પોરેશનમાં ૧ર મળી ૩૧, નર્મદા જિલ્લામાં ૧૯, ગીર-સોમનાથ અને મહેસાણામાં ૧૮-૧૮, નવસારી અને પંચમહાલમાં ૧૭-૧૭, ભરૂચમાં ૧૬, જામનગર કોર્પોરેશનમાં ૧૬ અને જિલ્લામાં ૪ મળી ર૦ કેસ નોંધાયા છે. રાજ્યની વિવિધ હોસ્પિટલમાં હાલ ૧૧,૭૭૯ દર્દીઓ સ્ટેબલ હાલતમાં અને ૮ર દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજદિન સુધી રર૦૧ દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે અને ૩૬,૪૦૩ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી છે, આમ આજદિન સુધી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક પ૦ હજારને પાર કરી પ૦,૪૬પ પર પહોંચી ચૂક્યો છે.