નવી દિલ્હી, તા. ૭
દિલ્હીમાં આજે બપોરે શિવાજી બ્રિજ પાસે રાંચી રાજધાની એક્સપ્રેસનું એન્જિન અને જનરેટર વેગન પાટા પરથી ઉતરી ગયું હતું જ્યારે સવારે ઉત્તરપ્રદેશમાં સોનભદ્ર જિલ્લામાં હાવરા-જબલપુર એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પીયુષ ગોયલને તાજેતરમાં મંત્રીમંડળ વિસ્તરણમાં રેલવે પ્રધાન બનાવાયા હતા અને તેઓ બરોબર પાટા પર ચડ્યા નથી ત્યાં તો એક જ દિવસમાં બે-બે ટ્રેન અકસ્માતો થઇ ગયા હતા. ઉત્તર રેલવેના પ્રવક્તા નીરજ શર્માએ જણાવ્યું હતું કે, આશરે ૧૧.૪૫ કલાકે ઝારખંડના પાટનગર રાંચીથી દિલ્હીના સ્ટેશન પહોંચતા પહેલા જ રાજધાની એક્સપ્રેસનું એન્જિન અને પાઉડર કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ પહેલા વહેલી સવારે ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં આવેલા ઓબરા નજીક હાવરા-જબલપુર શક્તિપૂંજ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ મળ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, ટ્રેન અકસ્માતોની હારમાળા સર્જાયા બાદ પૂર્વ રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ નૈતિક જવાબદારી સ્વીકારતા પ્રધાન પદ છોડવાની ઓફર કર્યા બાદ મંત્રીમંડળ વિસ્તરણમાં પીયુષ ગોયલને નવા રેલવે મંત્રી બનાવાયા હતા જોકે, તેમના રેલવે મંત્રી બન્યા બાદ દેશમાં રેલવે અકસ્માતની આ ચોથી ઘટના છે. રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતા રેલવેએ રાહત અને બચાવ કામ શરૂ કરી દીધું હતું. દિલ્હીના અત્યંત વ્યસ્ત રૂટ પર આ અકસ્માત સર્જાતા ટ્રેનો પુનઃ શરૂ કરવા માટે ઝઢપી કામગીરી શરૂ કરવામાં આવી હતી. દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.
યુપીમાં બીજી ટ્રેન દુર્ઘટના અટકાવવા સ્થાનિકોએ લાલ શર્ટ દેખાડ્યું
લખનઉ, તા. ૭
ગુરૂવારે એક જ દિવસમાં રાંચી રાજધાની એક્સપ્રેસ અને શક્તિપૂજ એક્સપ્રેસ ટ્રેનોના પાટા પરથી ઉતરી જવાની બે ઘટનાઓ કલાકોના ગાળામાં બની ત્યારે ઉત્તરપ્રદેશના ફતેહાબાદ અને ફતેહગઢ વચ્ચે સ્થાનિકોના સહારે અન્ય ટ્રેન દુર્ઘટના અટકાવાઇ હતી. દિલ્હી-કાનપુર એક્સપ્રેસ પસાર થયાની મિનિટોમાં જ સ્થાનિકોએ જોયું કે, પાટા પર ત્રણ ઇંચનું ગાબડું પડી ગયું હતું. ત્યારે સ્થાનિકોએ ટ્રેનના ડ્રાઇવરને લાલ શર્ટ દેખાડી અન્ય અકસ્માત અટકાવ્યો હતો તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ સાથે રેલવે અધિકારીઓ ભોપટપટ્ટી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રેન તેના પહોંચવાના સ્થળે જવા ૩૦ મિનિટ બાદ રવાના થઇ હતી. ફતેહગઢના એસપી દયાનંદ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ અંગેની તપાસ કરવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ટ્રેનો પાટા પરથી ઉતરી જવાની સતત ઘટનાઓ થતી રહે છે. ગુરૂવારે બનેલી બે દુર્ઘટનાઓમાં કોઇ જાનહાનિ નહોતી થઇ.