જામનગર, તા.૧૧
લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે માત્ર ૧૩ દિવસની જ વાર છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. મુખ્યમંત્રી વિજયરૂપાણી ગત સાંજે જામનગરના રણજીતનગર નજીક આવેલ ખીજડામંદિર વાળી જગ્યા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ જાહેર સભાને સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશાળ જનમેદનીને સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહારો કરી જણાવ્યું કે, એક તરફ ચોકીદાર છે બીજી તરફ ચોરોની જમાત છે અને ચોર લોકો બીજાને ચોર કહેવા નીકળ્યા છે, ત્યારે ચોરોની જમાત મોદી હટાવો મોદી હટાવોની ઝુંબેશ ચલાવે છે.પરંતુ એ લોકોએ ન ભૂલવું જોઈએ કે સોનિયા-રાહુલ ગાંધી ખુદ જામીન પર છે અને લાલુએ ભ્રષ્ટાચાર કરીને પશુઓનો ઘાસચારો ખાધો હતો એટલે અત્યારે જેલની હવા ખાવી પડી છે.
ત્યારે મોદી હટાવવો છે કે ભ્રષ્ટાચાર હટાવવો છે ? એ લોકોએ નક્કી કરવાનું છે. આ વખતે ચૂંટણીજંગમાં એક તરફ રાષ્ટ્રવાદ છે બીજી બાજુ પરિવારવાદ છે, કોંગ્રેસ પરિવારવાદમાં ફસાયેલી છે, દેશભરમાં અબ કી બાર ફિરસે મોદી સરકારનો બુલંદ અવાજ ગુંજી રહ્યો છે, જેની સામે પણ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પોતાનો વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરે શા માટે કોંગ્રેસ આવું નથી કરતી કારણ કે ત્યાં બધાને વડાપ્રધાન થવું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રી આર.સી. ફળદુ, મંત્રી હકૂભા જાડેજા, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વમંત્રી પરમાનંદ ખટ્ટર, પૂર્વમંત્રી મૂળુ બેરા, જામનગર લોકસભા સીટના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વમંત્રી ચીમન સાપરિયા, સહિતના ભાજપના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.