(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧ર
ભરૂચ તાલુકાના દયાદરા ગામે છેલ્લા એક માસ દરમિયાન વીજ વાયરો શોર્ટ સર્કિટના કારણે ધડાકાભેર તૂટી પડવાની આઠ જેટલી ઘટનાઓ બનવા પામી છે શોર્ટ સર્કિટને કારણે પ્રચંડ ધડાકો થઈ વીજ વાયરો તૂટી પડતાં કોઈક મોટી હોનારત સર્જાઇ તેવી ભીતિ ઊભી થવા પામી છે આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં જાડી ચામડીના જીઇબી ના અધિકારીઓ આંખ આડા કાન કરી કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈને બેઠા હોય તેમ જણાય છે આ અંગે ગામના જાગૃત નાગરિક મુસ્તાકભાઈ તાંદલજા વાલા એ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મકતમપુર રૂરલ ના એન્જિનિયર શાહ સાથે ટેલિફોનિક વાત કરતા એન્જીનીયરે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરી “તમારે જ્યાં ઉપર ફરિયાદ કરવી હોય ત્યાં કરો તંત્ર આમ જ ચાલશે “તેમ જણાવતા ગ્રામજનોમાં વ્યાપક આક્રોશ ફેલાવવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે વીજ વાયરો તૂટી પડવાની આ ઘટનામાં દયાદરા ગામે વિજ ઉપકરણો ફૂંકાઇ જવાના પણ સંખ્યાબંધ બનાવો બનતા ગ્રામજનોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ગ્રામજનો દ્વારા આ અંગે ગ્રાહક સુરક્ષામાં ઓનલાઈન ફરિયાદ પણ દાખલ કરાઇ છે જીઇબીની આ બેદરકારીને પગલે ગ્રામજનો મોટા પાયે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે.