(એજન્સી) તા.ર૪
હૈદરાબાદ સ્થિત મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિ. (એમએએનયુયુ)ના પૂર્વ ઉપકુલપતિ ડૉ.મોહમ્મદ અસલમ પરવેઝે શનિવારે કહ્યું હતું કે, કુર્આનશરીફમાં પસંદગી મુજબના જ કામો કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને જે આ પવિત્ર પુસ્તકની માત્ર ૩.પ આયાતોને ધ્યાનમાં રાખી જીવન પસાર કરે છે તે મુસ્લિમ નથી. આ અંગે વિસ્તૃત રીતે સમજાવતા ડૉ.પરવેઝે કહ્યું હતું કે, મુસ્લિમો માટે સમસ્યા એ છે કે, તેમનો ઈસ્લામ માત્ર ૩.પ આયાતો પૂરતો મર્યાદિત છે જેમાં નમાઝ, રોજા, હજ વગેરે સામેલ છે. મોટાભાગના મુસ્લિમો ભૂલથી આવું માને છે કે, જો તે આ બધુ કરે છે તો તે અલ્લાહના બધા આદેશોનું પાલન કરે છે. ડૉ.પરવેઝે આગળ કહ્યું હતું કે, આ ૩.પ આયાતો જ કુર્આનશરીફમાં સામેલ નથી. તમે બાકીના આદેશોનું પાલન કરતાં નથી. તેનો અર્થ એ નથી કે તેમનું અસ્તિત્વ જ નથી. જે લોકો કુર્આનશરીફને પઢતા અને સમજતા નથી. તેમને એ જાણકારી નથી કે તેમાં બીજું શું લખેલું છે. તેમણે ભારતમાં મુસ્લિમોની સામાજિક સ્થિતિ પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોની સંખ્યા ૧૪.ર ટકા છે જ્યારે આઈએએસ/આઈપીએસ ક્ષેત્રમાં તેમની ભાગીદારી માત્ર ૩ ટકા છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મુસ્લિમોનું ૪.૪ ટકા જેટલું નિરાશાજનક પ્રદર્શન છે જ્યારે ભારતીય જેલોમાં ર૧ ટકા મુસ્લિમો છે. આ ઉપરાંત ભિખારીઓમાં રપ ટકા જેટલા મુસ્લિમો છે. અહીં કુર્આનશરીફનો ઉલ્લેખ કરતાં ડૉ.પરવેઝે કહ્યું હતું કે, જો મુસ્લિમો તેમની સ્થિતિમાં સુધારો ઈચ્છતા હોય તેમજ ભારત અને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મેળવવા માંગતા હોય તો તેમણે કુર્આનશરીફ પઢી તેને સમજવું જોઈએ અને તેના પર અમલ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, જો આપણે માણસ તરીકે આપણી જાતને સુધારીએ, સારું બોલીએ, દરેકને આદર આપીએ, દરેક બાબત સહન કરી લઈએ અને સારી વર્તણૂંક કરીએ તો બીજા લોકો આપણો અસ્વીકાર નહીં કરે. ડૉ.પરવેઝે કહ્યું હતું કે, સાચા મુસ્લિમ બનવા માટે સમગ્ર કુર્આનશરીફ પઢો અને તેમને સમજો અને તમારા જીવનમાં તેનું સંપૂર્ણપણે પાલન કરો. તેમણે કહ્યું હતું કે, એક મુસ્લિમની ઓળખાણ તેના વિચારોથી નહીં તેના કાર્યોથી થાય છે.
(સૌ. : મુસ્લિમ મિરર.કોમ)