અમદાવાદ,તા. ૫
આશરે એકાદ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનારી યુવતીની લાશ આજે રહસ્યમય સંજોગોમાં શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ગોકુલધામ રેસીડેન્સી ખાતેથી મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને આ કેસમાં રહસ્યના અનેક તાણાવાણાં સર્જાયા છે કારણ કે, એક તો યુવતી ચાંદલોડિયા વિસ્તારના શિવકેદાર એપાર્ટમેન્ટમાં રહે છે અને તેની લાશ મળી ગોકુલધામ રેસીડેન્સી ખાતેથી. બીજુ કે, તેની લાશ પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે પરંતુ તેના પરિવારજનો કહે છે કે, સ્યુસાઇડ નોટના અક્ષરો તેમની પુત્રી અમી સોલંકીના નથી. તેથી પોલીસ પણ હવે મૂંઝવણમાં મૂકાઇ છે. પોલીસે મૃતક અમી સોલંકીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી સમગ્ર પ્રકરણમાં મોતનું સાચુ કારણ શોધવાના અને હત્યાનો સમગ્ર ઘટનાક્રમ તપાસવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં સિલ્વર સ્ટાર ફલેટ પાસે આવેલી ગોકુલધામ રેસીડેન્સીમાંથી યુવતીની લાશ મળી આવી હતી, જો કે, સ્થાનિક રહીશોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ તેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી પરંતુ ત્યાં ફરજ પરના ડોકટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં સોલા પોલીસ પણ સ્ટાફ સાથે ત્યાં દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં મરનાર યુવતીનું નામ અમીબહેન અશોકભાઇ સોલંકી(ઉ.વ.૨૯) હોવાનું જાણવા મળ્યું હતું. અમીબહેને એક વર્ષ અગાઉ જ અશોકભાઇ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમ છતાં એક વર્ષના પ્રેમલગ્ન દરમ્યાન જ અમીબહેનનું કયા સંજોગોમાં મોત થયું તે હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.