(એજન્સી) નવી દિલ્હી, તા.૫
રાષ્ટ્રીય ચૂંટણી પંચે કાયદો અને ન્યાય મંત્રાલયને જણાવ્યું છે કે, જો વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ એક સાથે યોજવી હોય તો બંધારણમાં પાંચ સુધારા જરૂરી છે. સરકારે રાજ્યસભામાં ખાનગી સભ્યના બિલના જવાબ માટે ચૂંટણી પંચનો મત માગ્યો હતો. ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, આર્ટિકલ ૮૩ સંસદના બંને ગૃહોના સમયગાળા અંગે છે તેમાં સુધારો કરવો જરૂરી છે અને આર્ટિકલ ૮૫ (રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાનો ભંગ)ને પણ બદલવો પડે. આર્ટિકલ ૭૨(રાજ્યના ધારાસભ્યોના સમયગાળા અંગે), આર્ટિકલ ૧૭૪ (રાજ્યોની ધારાસભાઓને ભંગ કરવા અંગે) અને આર્ટિકલ ૩૫૬ (રાષ્ટ્રપતિ શાસન)માં ફેરફાર કરવાની આવશ્યકતા રહે છે.
દરમિયાન નાણામંત્રી અરૂણ જેટલીએ આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીઓ સાથે લોકસભા ચૂંટણી યોજવાની શક્યતાને નકારી કાઢી હતી. જેટલીએ કહ્યું હતું કે, બંધારણ બદલવાનો સમય આવે નહીં અને મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ સાથે લાવી ન શકાય. આમાં ઘણી પ્રતિક્રિયા આવી છે અને વિપક્ષ પણ તેની તરફેણમાં નથી. ચૂંટણી પંચે ૨૦૧૭માં કહ્યું હતું કે, તાર્કિક રીતે સપ્ટેમ્બર ૨૦૧૮થી લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ સાથે યોજી શકાય છે. ગયા અઠવાડિયા એનડીએના સાથી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું હતું કે વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ સાથે યોજવાનો પીએમ મોદીનો વિચાર વ્યવહારૂ નથી.