(એજન્સી) તા.૫
શૈલજા સ્વામી અને અંજની કોવુર ૬૦૦ કિ.મી. દૂર રહે છે અને તેમની જીંદગીમાં ક્યારેય મુલાકાત થઇ નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ એક ઘેરી ચિંતામાં મૂકાયા છે. બંને મહિલાઓના બાળકો અમેરિકામાં કામ કરી રહ્યા છે. આ બાળકો જેમની કાયમી નિવાસ એટલે કે પરમેનેન્ટ રેસિડન્સી માટે અરજીઓ પડતર છે એવા એચ-૧બી વિઝા ધારકોને વિઝા લંબાવી આપવાની પ્રથા બંધ કરવાની દરખાસ્તથી પ્રભાવિત થનાર છે. આ દરખાસ્તના પગલે ૫ લાખથી સાડા સાત લાખ જેટલા ભારતીયોને સ્વદેશ પરત આવવું પડશે. બેંગ્લુરુમાં જાહેર ક્ષેત્રની બેંકના એક અધિકારી સ્વામીએ જણાવ્યું હતું કે તેમને પોતાના પુત્ર અભિજિત અંગે ચિંતા છે કે જે અમેરિકામાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે પરંતુ હવે એચ-૧બી વિઝાના કારણે અનિશ્ચિતતા ઊભી થઇ છે. બીજી બાજુ અંજની કોવુર હૈદરાબાદમાં રહે છે પરંતુ તેમને વિશ્વાસ છે કે તેમના પુત્રો પાછા આવશે તો ભારતમાં ચોક્કસપણે તેમને સારી નોકરીઓ મળશે. એક વખત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો અમલ કરવા દો અને પછી અમેરિકન અર્થતંત્ર પર કેવી અસરો પડે છે. શું અમેરિકન કંપનીઓને આપણા ભારતીયો કરતા વધુ સારો મેનપાવર મળશે ? એચ-૧બી વિઝા અંગે અનિશ્ચિતતા ઊભી થવાથી ઘણા લોકો હવે કેનેડા જેવા દેશમાં જવાની શક્યતા તપાસી રહ્યા છે. નાસકોમના પ્રમુખ આર ચંદ્રશેખરે જણાવ્યું હતું કે એચ-૧બી વિઝા અંગે તાજેતરની હિલચાલના કારણે વધુ પડતો ભય ઊભો થયો છે. આ દરખાસ્તની માત્ર આઇટી સેક્ટર પર જ નહીં પરંતુ સામાન્ય રીતે ભારતીય કામદારોને પણ પ્રભાવિત કરશે. એચ-૧બી વિઝા ૩ વર્ષ માટે આપવામાં આવે છે. વર્તમાન નિયમમાં ગ્રીનકાર્ડ માટેની અરજીઓ પડતર હોવાને ધ્યાનમાં રાખીને ૨-૩ વર્ષ માટે એચ-૧બી વિઝાની માન્યતા લંબાવવા માટે મંજૂરી મળી જાય છે પરંતુ જો નવા નિયમો દાખલ કરવામાં આવશે તો એચ-૧બી વિઝાધારકો મુશ્કેલીમાં મૂકાશે. અમેરિકાની કંપનીમાં કામ કરતા ૪૦ ટકા કરતા વધુ ભારતીયોને ગ્રીનકાર્ડ હજુ મળ્યા નથી અને કોઇ પણ કંપની તેમને દેશનિકાલ કરવા માગતી નથી કારણ કે તેમનું સમગ્ર ઓપરેશન ઠપ થઇ જાય તેમ છે. આથી આ કંપનીઓ જ ટ્રમ્પના નિર્ણયનો પ્રતિકાર કરશે એવું સૂત્રોએ જણાવ્યું છે.