(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
શહેરના પુણાગામ વિસ્તારની અથર્વ ફોર યુ નામની કંપનીએ લોકો પાસેથી એજન્ટોની મદદથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા બાદ નાણાંની ચુકવણી વેળાએ સંચાલકોએ હાથ ઊંચા કરી દેતાં લોકોના નાણાં ફસાય જવા પામ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડીંડોલીના નવાગામાં ગોવર્ધનનગરમાં ૬૩ નંબરમાં રહેતા સુધાકરભાઈ ઈન્દૂરકર પુણાગામ વિસ્તારમાં આવેલ અથર્વ ફોર યુ નામની ફાયનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. છેલ્લા ૧૫ વર્ષથી કંપનીમાં નોકરી કરતા સુધાકરભાઈએ હજારો લોકોની પોલિસી બનાવી હતી અને સુધાકરભાઇના પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓએ અંદાજે ત્રણ કરોડ કરતા પણ વધુ રકમ કંપનીમાં જમા કરાવી હતી. આવા તો કેટલાય એજન્ટોએ કરોડો રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા હતા. જો કે, ૧૫ વર્ષ બાદ પોલિસી ઉતારનારા લોકોના પૈસા પરત દેવાનો સમય આવતા કંપનીના સંચાલકોએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. જેની જાણ અન્ય લોકોને પણ થતા તેઓએ કંપની પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. જો કે કંપનીએ જવાબ આપવાનું ટાળતા આખરે પોલિસી ઉતારનારા લોકોએ એજન્ટો પાસે ઉઘરાણી શરૂ કરી હતી. સુધાકરભાઇ પાસે ઉઘરાણી શરૂ કરી હતી. જેથી સુધાકરભાઇએ પુણા પોલીસ મથકમાં કંપની વિરૂદ્ધ અરજી પણ કરી હતી. જો કે, પોલીસે અરજીને ધ્યાનમાં ન લેતા આખરે સુધાકરભાઇ માનસિક હારી ગયા હતા. જેથી આજે સુધાકરભાઇ એ વહેલી સવારે ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સુધાકરભાઇ ના પરિવારજનો અને પોલિસી ધારકોએ કંપની સામે આક્ષેપ કર્યો હતો કે બોન્ડ પણ બનાવટી આપવામાં આવ્યા છે. સુધાકરભાઇ ના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓએ હજારો લોકોની પોલિસી બનાવી પરંતુ આખરે કંપનીએ તેને પણ જવાબ આપવાનું બંધ કરી દેતા તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. બીજી તરફ પોલિસી ઉતારનારા લોકો સુધાકરભાઇ પાસે નાણાંની ઉઘરાણી કરતા હતા. જેથી સુધાકરભાઇ કંટાળીને છેલ્લે જીવનલીલા સંકેલી લાધી હતી. ત્યારે હાલ તો પોલીસે તેમની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. જો કે આગામી દિવસોમાં પોલીસ કંપનીના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે પણ સવાલ ઉઠવા પામ્યા છે.