(એજન્સી) તા.૪
સાયકલોમાં ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ગણાતી એટલાસ સાયકલની કંપનીએ બુધવારે તેની છેલ્લી ફેક્ટરીને તાળાં મારી દઇ પોતાના ૭૦૦ કર્મચારીઓની છટણી કરીને સંપૂર્ણ શટર પાડી દીધા હતા. તિવ્ર નાણાંકીય ભીંસમાંથી પસાર થઇ રહેલી કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે ભવિષ્યમાં ઉત્પાદન શરૂ કરી શકે એવી સ્થિતિમાં નથી. હાલ કંપની તિવ્ર નાણાંકીય તંગી અનુભવી રહી છે અને હવે ફરીથી ઉત્પાદન શરૂ કરી શકાય તેમ નથી તેથી અમે શાહીબાબાદ સ્થિત ફેક્ટરીને પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે એમ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું. ૧૯૫૧માં સાયકલોનું ઉત્પાદન શરૂ કરનારી હરિયાણા સ્થિત કંપનીએ ૨૦૧૪ અને ૨૦૧૮ માં પોતાની બે ફેક્ટરીઓ બંધ કરી દીધી હતી. ૨૦૧૪નાં ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશના મલાનપુર ખાતે આવેલાં એકમને બંધ કરાયું હતું જ્યારે ૨૦૧૮ હરિયાણાના સોનેપતના એકમમાં ઉત્પાદન બંધ કરાયું હતું. મલાનપુરના એકમને બંધ કર્યા બાદ કંપનીએ હરિયાણાના સોનેપત ખાતેના અને ઉત્તર પ્રદેશના શાહિબાબાદ ખાતેના એકમમાં ઉત્પાદન ચાલું રાખ્યું હતું, પરંતુ હવે શાહિબાબાદનું એકમ બંધ કરીને કંપનીએ સંપૂણપણે શટર પાડી દીધા હતા. ૧ જૂન, ૨૦૨૦ના રોજ લોકડાઉન ઉઠાવી લીધા બાદ પણ કંપનીએ તિવ્ર નાણાંભીડના પગલે શાહિબાબાદ ખાતેના એકમમાં ઉત્પાદન શરૂ કર્યું નહોતું, તેથી કંપનીએ શાહિબાબાદ ખાતેના એકમમાં કામ કરતાં કર્મચારીઓને પૂરતી નાણાંકીય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લે-ઓફ(છટણી) આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું. હાલ અનુભવાઇ રહેલી તિવ્ર નાણાંકીય ભીંસના પગલે સાયકલોના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ ખરી શકાય તેમ નથી એમ કંપનીએ ઉમેર્યું હતું. એક અદાંજ મુજબ કંપનીના આ નિર્ણયથી ૭૦૦ લોકોનો રોજગાર છીનવાઇ જશે. ૪૦૦ લોકોની નોકરીઓ જશે અને ૩૦૦ લોકો પરોક્ષ રીતે રોજગાર ગુમાવશે. આ ઘટનાક્રમના પરિપ્રેક્ષ્યમાં ટિ્‌વટર ઉપર કોઇએ જોરદાર કટાક્ષ કર્યો હતો જેમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને દેશને આત્મનિર્ભર બનાવવાનું કહેતા જોવા મળ્યા હતા. નહેરુએ તે સમયે કહ્યું હતું કે જ્યારે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા જઇ રહ્યા છીએ એવા સમયે જ જાનકી દાસે એટલાસ સાયકનું કારખાનું નાંખીને અમારી અપીલનો મજબૂત પ્રતિસાદ આપ્યો છે. તે સાથે ટિ્‌વટર ઉપર એવો પણ કટાક્ષ કરાયો હતો કે વિશ્વ સાયકલ દિવસના રોજ જ એટલાસ સાયકની કંપની બંધ થઇ ગઇ તે ખરેખર દુઃખદ છે.