અમદાવાદ,તા. ૨૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ અને ૧૦ ટકાની આકર્ષક રાહત આપતી યોજનાને નબળો પ્રતિસાદ મળતાં હવે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા આ યોજના તા.૧૫મી મે સુધી લંબાવાય તેવી શકયતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની યોજનાનો લાભ લેવામાં નગરજનો ઉણા ઉતરી રહ્યા છે, તેને લઇ અમ્યુકો સત્તાધીશો પણ ચિંતિત છે કારણ કે, જો નાગરિકો તેમનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરે તો તેમાં ૧૦ ટકા રિબેટનો આકર્ષક લાભ અપાઇ રહ્યો છે. એટલું જ નહી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અલમાં મૂકાયેલી એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રિબેટ યોજનાની મુદત પૂર્ણ થયા બાદ પણ ખાસ લોક દરબારનું આયોજન કરવામાં આવશે. અમ્યુકો સત્તાધીશો દ્વારા શહેરમાં ઝોન દીઠ આવા લોક દરબારનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. જો કે, એડવાન્સ પ્રોપર્ટી ટેકસ રિબેટ યોજનાની અમલવારી અને પ્રોપર્ટી ટેકસનો હવાલો સંભાળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યાના કારણે આ લોક દરબાર મે મહિનાના અંતમાં યોજાય તેવી શકયતા છે. અમ્યુકોના ચોપડે શહેરીજનો પાસેથી રૂ.૨૧૦૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી બોલે છે, તેથી અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા અવારનવાર પ્રોપર્ટી ટેક્સ વસૂલાતની ઝુંબેશની સાથે સાથે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટની પ્રોત્સાહક યોજના પણ ચલાવાય છે પરંતુ તેમછતાં શહેરીજનો તેના પરત્વે પણ ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી ટેક્સ વિભાગ સમક્ષ સમગ્ર વર્ષ દરમ્યાન ટેક્સને લગતા વિવિધ પ્રકારના વાંધાઓ અને સુધારાને લગતી આશરે ૧.૬૦ લાખ જેટલી અરજીઓ કે ફરિયાદો આવતી હોય છે. જે પૈકી માંડ ૯૦ હજાર જેટલી અરજીનો નિકાલ થતો હોય છે.
એટલે કે, મોટાભાગની અરજીઓ એક યા બીજા કારણોસર પડતર પડી રહે છે. ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ૧.૩૨ લાખ અરજીઓ પૈકી ૯૧ હજાર જેટલી અરજીઓનો નિકાલ કરાયો હતો અને આશરે ૪૦ હજારથી વધુ અરજીઓ પડતર રહી હતી. અનેક કિસ્સામાં વર્ષો સુધી ટેક્સ અરજીઓનો નિકાલ થતો નથી અને તેના પરિણામે ટેક્સની વસૂલાત શકય બનતી નથી. જેનું છેવટે તો અમ્યુકોની તિજોરીને નુકસાન વેઠવું પડે છે. એટલું જ નહી, જૂની ફોર્મ્યુલાના પ્રોપર્ટી ટેકસની બાકી રકમમાં તો મુદ્દલ કરતાં વ્યાજ ચાર ગણું થઇ જાય છે. જો કે, ભાજપના શાસકો વર્તમાન ૧૮ ટકા ચક્રવૃધ્ધિ વ્યાજ ઘટાડીને આઠ ટકા કરવાના પોતાના ચૂંટણી ઢંઢેરાના વચનને પણ બહુ ચતુરાઇપૂર્વક ભૂલી ગયા છે અને તેની સીધી અસર પર પ્રોપર્ટી ટેકસની આવક પર પડી રહી છે.