(એજન્સી) તા.૧૪
એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાએ ફરજ પરના પત્રકારો પર તાજેતરના હુમલાને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢ્યાં છે. ધી કેરેવાન મેગેઝીન સાથે કામ કરતાં ત્રણ પત્રકારોએ એવી ફરિયાદ કરી હતી કે પાટનગરમાં તાજેતરની કોમી હિંસાના કેસમાં ફરિયાદીના રિપોર્ટ પર ૧૧, ઓગસ્ટના રોજ નોર્થ ઇસ્ટ દિલ્હીના નોર્થ ઘોંદા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યાં હતા ંત્યારે તેમના પર હુમલો થયો હતો.
ધી એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાએ નિવેદનમાં જણાવ્યું છે કે આ બંને હુમલાઓ વખોડવા યોગ્ય છે. મીડિયાને પોતાની જવાબદારી અદા કરવા માટે કોઇ પણ જાતના ભય કે ડર વગર સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઇએ જે ખરા અર્થમાં લોકશાહીનું મહત્વપૂર્ણ અને અનિવાર્ય પાસુ છે.
ધ કેરેવાન સાથે કામ કરી રહેલા પત્રકારો પર હુમલાની ઘટના દર્શાવે છે કે હવે એક એવો ભયજનક ટ્રેન્ડ શરૂ થયો છે કે જેમાં કોમવાદથી પ્રેરીત લોકો ઉદાસીન પોલીસની હાજરીમાં કોઇ પણ જાતની શિક્ષા કે સજા વગર પત્રકારો પર હુમલો કરીને તેમની હેરાનગતિ કરી શકે છે. બેંગ્લુરુ ઘટના જેમાં મીડિયા નિર્ભિકપણે સ્વતંત્રતાથી કામ કરી શકે એવો માહોલ જાળવવામાં પોલીસ જેવી લો એનફોર્સમેન્ટ એજન્સીની નિષ્ફળતા તરફ ધ્યાન દોરે છે.