ગુવાહાટી,તા.૭
આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણીતી એથ્લીટ – રનર હિમા દાસને નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ (ડીએસપી) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં પ્રધાન હિમંત વિશ્વ શર્મા રાજ્ય વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. હિમા દાસ જકાર્તા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતી લાવી હતી.
આસામ સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે રાજ્યના જે કોઈ પણ ખેલાડી ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ કે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતશે એમને ગ્રેડ-૧ ઓફિસરના રૂપમાં નિયુક્ત કરશે. એને પગલે જ હિમા દાસને પોલીસ અધિકારીપદની ઓફર કરાઈ છે.
હિમા દાસ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સમાં પણ ભારતને મેડલ અપાવશે એવી આશા રખાય છે. એણે પોતાની કેટેગરી બદલી છે અને હવે તે ૪૦૦ મીટરને બદલે ૨૦૦ મીટરમાં દોડવાની છે. ૨૦૦ મીટરની રેસમાં તેનો શ્રેષ્ઠ સમય નોંધાયો છે ૨૩.૧૦ સેકંડનો.
આ સમાચાર વિશે હિમા દાસે ટ્‌વીટ કરીને પોતાના પ્રત્યાઘાત આપ્યા છે. એણે આસામના મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવાલ અને હિમંત વિશ્વ શર્માનો આભાર માન્યો છે. એણે વધુમાં લખ્યું છે સરકારના આ નિર્ણયથી મેડલ જીતનાર રમતવીરોને પ્રોત્સાહન મળશે.