(એજન્સી) અમૃતસર,તા. ૬
ઓક્ટોબરમાં પંજાબમા આરએસએસના એક નેતાની હત્યા કરવા માટે મુખ્ય આરોપીને એક ગન પૂરી પાડનાર મેરઠના રહેવાશીની એનઆઈએએ ધરપકડ કરી છે. નેશનલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સીએ ગત મહિને થયેલી આરએસએસ નેતા રવિન્દર ગોસઈની હત્યાની તપાસ સંભાળી લીધી છે. એનઆઈએ દ્વારા જારી એક બયાન અનુસાર, આરએસએસ નેતાની હત્યાના મુખ્ય આરોપી હરદીપ સિંહ શેરાને દેશી બનાવટની પિસ્તોલ પૂરી પાડનાર ૪૮ વર્ષીય પહારસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બીજો એક સંદિગ્ધ મલૂક રવિવારે ભાગી છૂટ્યો હતો. એનઆઈએ અને યુપી પોલીસની સંયુક્ત ટીમ જ્યારે ગાઝિયાબાદમાં તેની ધરપકડ કરવા ગઈ ત્યારે તેને ટીમને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ગામલોકોએ તેમની પર ગોળીબાર અને પથ્થરમારો કર્યો હતો. એનઆઈએ કહ્યું કે તપાસમાં એવું માલૂમ પડ્યું છે કે આરોપી હરદીપ આરએસએસ નેતા અને બીજા સંગઠનોના નેતાઓની હત્યા કરવા માટે હથિયારો મેળવવા છેલ્લા બે વર્ષમાં ત્રણ વાર મેરઠ આવ્યો હતો. તેમણે કહ્યું કે આ વર્ષના એપ્રિલ કે મે મહિનામાં હરદીપ પહાર સિંહના ઘેરથી એ ૩૧૫. બોરની દેશ બનાવટની પિસ્તોલ મેળવવામાં સફળ થયો. ગત મહિને પંજાબ પોલીસ દ્વારા થયેલી ધરપકડ બાદ હરદીપની સૂચના અનુસાર આ પિસ્તોલને જપ્ત કરવામાં આવી હતી. ત્રણ મહિના પહેલા યુપીના અમરોહા જિલ્લામાં આર્મ એક્ટ હેઠળ બીજા પણ એક કેસમાં પહાર સિંહ આરોપી છે. બુધવારે મોહાલીમાં આરોપીને એનઆઈએની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.