(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૯
વડોદરાથી દિલ્હી જવા માટે રેલ્વે સ્ટેશન ઉપર બેઠેલ એનઆરઆઇ મહિલાના રૂા.૧૮.૨૫ લાખનાં સોનાના દાગીનાની બેગની ચોરી કરનાર તસ્કર એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જતાં સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. પોલીસે આ કૂટેજને આધારે તેનું રેખાચિત્ર તૈયાર કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર મુળ ભરતપુર જિલ્લાના વેર તાલુકાના રણધીરગઢ ગામનાં અને હાલમાં અમેરીકાના ટેકસાસ ખાતે રહેતાં રઘુવીરશરણ દોલતરામ અગ્રવાલના માતા વડોદરાથી દિલ્હી જવા માટે ગત તા.૨૨મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે વડોદરા રેલ્વે સ્ટેશને આવ્યા હતા. તેમની માતા રેલ્વે સ્ટેશન ઉપર બેઠા હતા તે વખતે ૩૦ વર્ષનો એક અજાણ્યો યુવાન રૂા.૧૮.૨૫ લાખની મત્તા ભરેલ હેન્ડબેગ ચોરી કરી પલાયન થઇ ગયો હતો. આ બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોરી થયેલ બેગમાં મહિલાનું સીટી બેંકના ડેબીંટ કાર્ડ પણ હતા. આ કાર્ડ દ્વારા તા.૨૩મી ડિસેમ્બરનાં રોજ મુંબઇ સેન્ટર ખાતેનાં વિરલે-પારલે સ્ટેશન નજીકનાં વિસ્તારમાંથી એકસીસ બેંકનાં એટીએમમાંથી રૂપિયા ઉપાડયા હતા. જે અંગેની જાણ થતા પોલીસે બેંકના મેનેજરનો સંપર્ક કરી એટીએમનાં સીસી કૂટેજ મેળવ્યા હતા. જેમાં એક યુવાન સીસી કૂટેજમાં ઝડપાઇ ગયો હતો. આ શંકાસ્પદ યુવકની ઇમેજ કલીયર કરી પોલીસે આજે તસ્કરને ઝડપી પાડવા તેનો સ્કેચ તૈયાર કર્યો હતો.