(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨૭
રાજ્યમાં એનઆરસી અને સીએએના વિરોધમાં અમુક જગ્યાએ હિંસક દેખાવો થયા હતા, જે બાદ પોલીસ તંત્ર દ્વારા ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ હિંસક દેખાવોમાં જે લોકો નહોતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે, જેથી આવા નિર્દોષોને તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ગુલાબખાન રાઉમા (માયનોરિટી ડિપાર્ટમેન્ટ)એ રાજ્યના ડીજીપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નાગરિકતા સંશોધન કાયદો તેમજ એનઆરસીના અનુસંધાને ગુજરાત રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ આ કાયદાના વિરોધમાં લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં દેખાવકારો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ જે લોકો શાંતિપ્રિય છે, નિર્દોષ છે અને હિંસામાં માનતા નથી તેવા લોકોની પણ ધરપકડ કરવામાં આવે તે ઘણી જ દુઃખદ બાબત છે. હાલની પરિસ્થિતિમાં સામાન્ય લોકો ખૂબ જ ભયભીત બન્યા છે અને જનજીવનને પણ ખૂબ જ મોટી અસર થવા પામી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં જેવા કે છાપી, શાહઆલમ-અમદાવાદ જેવા અનેક વિસ્તારોમાં નિર્દોષ લોકોની પણ ધરપકડ થઈ છે, જેથી પુરાવા આધારિત વ્યક્તિઓ વિરૂદ્ધ જ કાયદાકીય પગલાં લેવામાં આવે અને નિર્દોષ તેમજ શાંતિપ્રિય વ્યક્તિઓ હોય તેવા લોકોને તાત્કાલિક ધોરણે છોડી દેવામાં આવે તેવી માંગ કરાઈ છે.