વડોદરા, તા.૧૦
ખાનગી શાળાઓ અને કોલેજોમાં વર્તમાન શૈક્ષણિક વર્ષના પહેલા સત્રની તમામ ફી માફ કરવામાં આવે તેવી માંગણી સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ કલેક્ટર કચેરી ખાટે ઘંટનાદ કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે એનએસયુઆઈના નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા અને ઘંટનાદ કરીને સ્કૂલોમાં માત્ર ૨૫ ટકા ફી માફી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. એનએસયુઆઈનુ કહેવુ છે કે, હાલમાં કોરોનાકાળમાં વાલીઓ નાણાભીડ અનુભવી રહ્યા છે ત્યારે માત્ર ૨૫ ટકા ફી માફ કરીને સરકારે વાલીઓની મજાક ઉડાવી છે.માત્ર ખાનગી સ્કૂલોમાં જ નહીં પણ કોલેજોમાં પણ પહેલા સત્રની આખી ફીમાંથી વિદ્યાર્થીઓને માફી આપવામાં આવે.અમે ઘંટનાદ કરીને નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ કાર્યક્રમમાં કાર્યકરોએ બેનરો અને પોસ્ટરો દર્શાવીને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો અને જો સરકાર આ માંગણી નહીં સ્વીકારે તો એનએસયુઆઈ દ્વારા આખા રાજ્યમાં ઉગ્ર આંદોલન શરુ કરવામાં આવશે.