(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
દક્ષિણ કાશ્મીર હિમાલય વિસ્તારમાં અમરનાથ ગુફાની જૈવ-વિવિધતાનું જતન કરવાના એક પ્રયાસરૂપે નેશનલ ગ્રીન ટ્રીબ્યનલે બુધવારે અમરનાથ ગુફાને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરી, મંદિર નજીક મોબાઈલ અને મંત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિશ્વ હિન્દુ પરીષદે એનજીટીના આ આદેશનું ‘તુઘલકી ફતવો’ કહ્યો છે.એનજીટી અધ્યક્ષ જસ્ટીસ સ્વંત્રતર કુમારે કહ્યું કે યાત્રાળુઓ સ્પષ્ટ દર્શન કરી શકે તે માટે તથા આ વિસ્તારની જૈવ-વિવિધતાને કોઈ નુકશાન ન પહોંચે તે માટે માળખાકિય સુવિધાઓ પૂરી પાડવાની અમરનાથ મંદિર બોર્ડે ખાતરી રાખવી જોઈએ. એનજીટીએ કહ્યું કે આ વિસ્તાર પર્યાવરણીય દ્રષ્ટિએ એકદમ સંવેદનશીલ છે. આ વિસ્તારમાં હિમશીલાઓને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અહિં શોરબકોર ન થવો જોઈએ અને યાત્રાળુઓની સંખ્યા પણ સીમિત કરી દેવી જોઈએ. એનજીટીએ અમરનાથ મંદિર બોર્ડને આદેશ આપતાં કહ્યું કે અમરનાથમાં ઘંટડીઓ ન વાગવી જોઈએ. તે ઉપરાંત યાત્રીઓને મોબાઈલ તથા બીજી વસ્તુઓ લઈ જવાની મંજૂરી ન આપવી જોઈએ. એનજીટીએ તેના આદેશમાં કહ્યું કે મંદિર બોર્ડે ધ્યાનમાં રાખવું જોઈએ કે ત્યાં એક સ્ટોર રૂમ બનવો જોઈએ જ્યાં લોકો પોતાનો સામાન જમા કરાવી શકે. એનજીટીએ કહ્યું કે શ્રાઈન બોર્ડે એ નક્કી કરવું જોઈએ કે લોકો છેલ્લી ચેકપોસ્ટથી અમરનાથ ગુફા સુધી એક જ લાઈનમાં આગળ ધપે. જેમની અરજી પર એનજીટીએ આ ચુકાદો આપ્યો છે તે પર્યાવરણીય કાર્યકર ગૌરી મોલેખીએ એનજીટીના આ ચુકાદાનું સ્વાગત કરતાં તેને ગતિશિલ ગણાવ્યો. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ આને લઇને જોરદાર વિવાદ છેડાઈ ગયો છે. ભાજપે આને એન્ટી હિન્દુ એજન્ડા તરીકે ગણાવીને આનો વિરોધ કર્યો છે. પાર્ટીના દિલ્હી પ્રદેશ પ્રવક્તા તેજેન્દરપાલ બગ્ગાએ કહ્યું છે કે, જે રીતે એનજીટીના નિવેદન હિન્દુઓની સામે આવે છે. અમે તેના વિરોધમાં છીએ. અમરનાથ યાત્રાને લઇને ખુબ જ સંવેદનશીલ છીએ. હવે અમરનાથ યાત્રાને લઇને કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા વેળા જય જયકાર અને મંત્રોચ્ચાર કરી શકાય નહીં. બગ્ગાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, જો અમરનાથ યાત્રા વેળા મંત્રોચ્ચાર કરી શકતા નથી તો યાત્રા કરવાનો હેતુ શું છે. એનજીટી તરફથી એન્ટી હિન્દુ એજન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો છે અને અમરનાથ યાત્રા જઇશું અને મંત્રોચ્ચાર પણ કરીશું. માઇકથી કોઇને તકલીફ છે તો એક જ ધર્મના માઇકથી પરેશાની હોવી જોઇએ નહીં.