વડોદરા,તા.ર
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી સુધારો થઈ રહ્યો છે. વહીવટી તંત્ર ખડેપગે, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરાની સ્થિતિનું જાત નિરીક્ષણ કરવા મોડી સાંજે વડોદરા આવ્યા હતા. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જરૂરી તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. તેમ આજે ગાંધીનગર ખાતે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્ય ડો.જે.એન. સિંઘે જણાવ્યું હતું. મુખ્ય સચિવ ડો.જે.એન. સિંઘે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે રાહત કામગીરીની વિગતો આપતાં કહ્યું હતું કે, એનડીઆરએફની ૧૧ અને એસડીઆરએફની પ ટીમ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૭૦૦૦ લોકોનું રેસ્ક્યુ તેમજ ૪૦૧૯થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ૮૪૦ ગર્ભવતી મહિલાઓને સલામત રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
શહેરમાં વીજળી ઉપલબ્ધ કરાવવા માટેના તમામ ૪૮ ફિડર પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે. તમામ વિસ્તારોમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી છે. પાણીને સુપર કલોરીનેશન કરીને શુદ્ધ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ૧૦,૦૦૦થી વધુ ક્લોરિન ટેબ્લેટ અને ૪૪૧થી વધુ ઓઆરએસના પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં તબીબી સહાય માટે ૯૮ આરોગ્ય ટીમ કાર્યરત છે.
રાજ્ય સરકાર દ્વારા પુરની સ્થિતિમાં ત્રણ દિવસ દરમ્યાન આર્થિક રાહતના ભાગરૂપે કેશ ડોલ્સ રૂપે પુખ્ત વયનાઓને રૂા.૬૦ પ્રતિ વ્યક્તિ, બાળકને રૂા.૪પ તેમજ ઘરવખરી ગુમાવનારને રૂા.ર૦૦૦નું ચુકવણું કરવામાં આવશે. જેના સર્વે માટે યુદ્ધના ધોરણે ર૬ ટીમ કાર્યરત કરાઈ છે.