વૉશિંગ્ટન,તા.૧૯
કોરોના વાયરસની મહામારીને પગલે અમેરિકાએ તેની હાઈપ્રોફાઈલ નેશનલ બાસ્કેટબોલ લીગ સ્થગિત કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જે પછી બ્રૂક્લીન નેટ્‌સ ટીમના ચાર ખેલાડીઓના કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટીવ આવતા ચિંતા વધી હતી. આ ચાર ખેલાડીઓમાં ટોચનો બાસ્કટેબોલ સ્ટાર કેવિન ડુરંટ પણ સામેલ છે.
એનબીએના ચારેય ખેલાડીઓને તત્કાળ એકાંતવાસમાં મોકલવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૃ કરી દેવામાં આવી છે. નેટ્‌સે હજુ ચારેય ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. જોકે ડુરંટે સામે ચાલીને જાહેરાત કરી હતી કે, તે આ ચારમાંનો એક ખેલાડી છે કે, જેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેણે કહ્યું કે, બધાએ અત્યારે સાવધ રહેવાની જરુર છે અને કોરેન્ટાઈન થવું જોઈએ. અમે હાલ તેમાંથી પસાર થઈ રહ્યા છીએ.બ્રૂક્લીન નેટ્‌સ ટીમની છેલ્લી એનબીએ મેચ તારીખ ૧૦મી માર્ચે લોસ એંજલસ લેકર્સની ટીમ સામે રમાઈ હતી. લોસ એંજલસ લેકર્સમાં લેબ્રોન જેમ્સ અને એન્થોની ડેવિસ જેવા સુપરસ્ટાર્સ છે. બ્રૂક્લીન નેટ્‌સના ખેલાડીના કોરોના વાઈરસના ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ હવે લોસ એંજલસ લેકર્સે પણ તેના તમામ ખેલાડીઓના કોરોના વાઈરસના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે.