(એજન્સી) મુંબઈ, તા. ૫
બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર અને દલિત આગેવાન પ્રકાશ આંબેડકરે એવું કહ્યું છે કે એનસીપી વડા શરદ પવારે ભીમા-કોરંગાંવ કોમી તોફાન કેસના આરોપી મિલિન્દ ઈકબોતેનો ૨૦૦૧ ની સાલમાં ગંભીર આક્ષેપોમાંથી બચાવ્યાં હતા. દલિત નેતા આંબેડકરે રવિવારે એવો આક્ષેપ કર્યો કે ભીમા કોરંગાવમાં થયેલા કોમી તોફાન કેસના જેમનું નામ આરોપી તરીકે આવ્યું છે કે તેવા મિલિન્દ ઈકબોતેને શરદ પવારે બચાવ્યાં હતા. ભરીપા બહુજન મહાસંઘના વડા પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપનો મુકાબલો કરવા એનસીપી સાથે સંભવિત ગઠબંધનનો ઈન્કાર કરતી વેળાએ આવો દાવો ક્રયો હતો. દાદર ઈસ્ટમાં પોતાની પાર્ટીના કાર્યકરો સાથેની બેઠકમાં તેમણે પોલીસ રિપોર્ટ સહિત કેટલાક દસ્તાવેજો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પોલીસ રિપોર્ટમાં બે જૂથો વચ્ચે કોમી તંગદીલી પેદા કરવા ઈકબોતેની કથિત ભૂમિકા દર્શાવવામાં આવી છે. એનસીપી પ્રવક્તા નજીબ મલિકે પવારની સામેના આક્ષેપોને જોરદાર રીતે રદિયો આપતાં તેને આધાર વિહોણા અને બદનક્ષીભર્યાં ગણાવ્યાં. તેમણે કહ્યું કે શરદ પવારે કદી પણ કોઈ મંત્રીના કામકાજમાં દખલ કરી નથી. પ્રકાશ આંબેડકરે રવિવારે એવો દાવો કર્યો કે પુણે પોલીસ મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવીટી એક્ટ, ૧૯૮૧ હેઠળ ઈકબોતની સામે કેસ દાખલ કરવા માંગતી હતી પરંતુ પવારે ઈકબોતને બચાવવા માટે તત્કાલિન ગૃહમંત્રી છગન ભુજબળને વાત કરી હતી. ઈકબોતની સામે ૨૦૦૧ ના કોમી તોફાનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે જે કડક કલમોની માંગણી કરી હતી તે હેઠળ તેમની સામે કેસ ચલાવવામાં નહોતો આવ્યો. આંબેડકરે દાવો કર્યો કે દસ્તાવેજો પરથી સ્પષ્ટપણે જણાયું છે કે પુણે પોલીસ ઈકબોતેની વાંધાજનક ગતિવિધિઓ વિશે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો હતો. પાછળથી સીઆઈડી અને ડિરેક્ટર જનરલે પણ આ રિપોર્ટને મંજૂરી આપી હતી. પ્રકાશ આંબેડકરે એનસીપી પર રાજ્ય અને કેન્દ્રની ભાજપની આગેવાનીવાળી સરકારને ખાનગીમાં સમર્થન આપવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે આ કારણસર મેં શરદ પવારની ૨૬ મી જાન્યુઆરીની બંધારણ બચાવ રેલીમાં ભાગ લીધો નહોતો. એનસીપી સાથે જવાને બદલે હું ડાબેરી પાર્ટીઓમાં જવાનું વધારે પસંદ કરીશ. એનસીપી પ્રવક્તા મલિકે એવું કહ્યું કે પ્રકાશ આંબેડકરે જેને સાથી બનાવવા હોય તે બનાવે પરંતુ તેમણે જાહેર કરવું જોઈએ કે તેઓ ભાજપની સાથે છે કે તેની વિરૂદ્ધમાં. અમારા નેતાની સામે કરેલા તેમના આક્ષેપો આધાર વિહોણા અને બદનક્ષીભર્યાં છે.