અંકલેશ્વર, તા.૯
ભારત સરકારની એપોઈન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય દ્વારા ત્રણ વર્ષના સમયગાળા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (ઈઆઈએલ)ના બોર્ડમાં બિન-સત્તાવાર સ્વતંત્ર નિર્દેશક, ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે મેનેજમેન્ટ સલાહકાર, ઉદ્યોગપતિ અને ગુજરાતના ભરૂચ – અંકલેશ્વરના સામાજિક સ્વપ્નદ્રષ્ટા હરીશ જોશી સહિત અન્ય પાંચ પ્રબુદ્ધ લોકોની નિમણૂક કરી છે. ઈઆઈએલએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વહીવટી અધિકારક્ષેત્ર સાથે ‘એ’ કેટેગરીમાં આવતું નવ-રત્ન કેન્દ્ર જાહેર ક્ષેત્રનું એન્ટરપ્રાઇઝ છે.
ઈઆઈએલએ ભારત અને વિદેશમાં હાઇડ્રોકાર્બન અને પ્રોસેસિંગ ઉદ્યોગ પ્લાન્ટ સ્થાપવા માટે ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી સેવા તરીકે ઉભરી આવેલી એક ખૂબ મહત્વની કંપની છે. હાઇડ્રોકાર્બન અને પેટ્રોલિયમ, પેટ્રોલિયમ રિફાઇનિંગ, પાઇપલાઇન્સ, ઓન એન્ડ ઓફશોર ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન, પાવર – થર્મલ, સોલર અને ન્યૂક્લિયર ક્ષેત્રે સેવાઓ પહોંચાડવી એ એનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. હરીશ જોશી, સાયન્સ અનુસ્નાતક ડીગ્રી અને માસ કમ્યુનિકેશનમાં અનુસ્નાતક ડીગ્રી ધરાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ છે અને વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ અને અન્ય મેનેજમેન્ટ, ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. વ્યવસાયિક રીતે, તેઓ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહોના મેનેજમેન્ટ સલાહકાર છે. એક પત્રકાર તરીકે તેમને લખવાનો તેમનો જુસ્સો ચાલુ રાખ્યો છે અને તે એક જાણીતા ફ્રીલાન્સર પત્રકાર છે. તેઓ ગુજરાતમાં ભરૂચ સ્થિત પિગમેન્ટ ડિસ્પરશન પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડિરેકટર પણ છે.