(એજન્સી) તા.૮
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એન્ટીબોડીઝની (પ્રતિદ્રવ્ય) હાજરી સાર્સ-સીઓવી-૨ વાયરસથી અગાઉ થયેલા સંક્રમણનો નિર્દેશ આપે છે પરંતુ દરેક વખતે તે બીમારી સામે સુરક્ષા પ્રદાન કરવામાં સફળ રહેતી નથી. વૈજ્ઞાનિકોનું એવું પણ કહેવું છે કે આ વાત પર ઘણું બધું આધારીત હોય છે કે એન્ટી બોડીઝ કેવા પ્રકારના અને કેટલા છે અને તે કેટલા સમય સુધી ટકી રહેશે. સોમવારે કોરોનાના નવા કેસોમાં ૯૦૦૬૨ કેસોનો ઉમેરો થતાં ભારતમાં કુલ કેસની સંખ્યા ૪૨ લાખને વટાવી જતાં ચિંતા વધી ગઇ છે અને વૈજ્ઞાનિકો એન્ટી બોડીઝના અહમ મુદ્દાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે અને એ સમજવાની કોશિશ કરી રહ્યાં છે કે એન્ટીબોડીઝ રોગની કડીમાં કેવી અસર ઊભી કરે છે. વૈજ્ઞાનિકો હજુ પણ કેટલાય અભ્યાસો અને ધારણાઓના આધારે કામ કરી રહ્યાં છે પરંતુ એન્ટીબોડીઝ મામલે હજુ કોઇ સંમતિ સધાઇ નથી. તેમનું કહેવું છે કે માત્ર એક જ બાબત કહી શકાય કે એન્ટી બોડીઝ એવો સંકેત આપે છે કે વ્યક્તિ અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂકી છે. રોગપ્રતિરોધક નિષ્ણાત સત્યજીત રથે જણાવ્યું છે કે તેઓ થોભો અને રાહ જુઓની નીતિ પર ચાલવાનું પસંદ કરશે કે જે પુરાવા શું દર્શાવે છે. નવી દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજીના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે એન્ટી બોડીઝની હાજરી આપોઆપ લોકોમાં રોગની કડી અંગે કઇ બતાવતાં નથી. બીજી બાજુ પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સાથે સંકળાયેલા વિનિતા બાલે જણાવ્યું છે કે કોરોના વાયરસ વિરુદ્ધ તૈયાર એન્ટીબોડી (એનએબીએસ) કોષિકાના સેલમાં વાયરસના પ્રવેશને રોકી શકે છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય એન્ટીબોડી વાયરસની ઉપસ્થિતિનો એક સંકેત છે પરંતુ વાયરસના પ્રસારને રોકવામાં ઉપયોગી નથી. ઇમ્યુનોલોજીસ્ટ વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે એન્ટીબોડીની સામાન્ય હાજરી સાર્સ-સીઓવી-૨થી ભૂતકાળના સંક્રમણનો સ્પષ્ટ સંકેત આપે છે પરંતુ સમાપ્ત કરનાર એન્ટીબોડી એટલેકે એનએબીની ગેરહાજરીમાં આ રોગથી સુરક્ષાની ગેરંટી નથી.