ભરૂચ, તા.૧૭
ભરૂચના જીએનએફસી ટાઉનશિપ નજીક આવેલ આનંદ એપાર્ટમેન્ટમાં દારૂના નશામાં ચકચૂર દંપતીએ ધસી આવી જૂની અદાવતને આનંદ એપાર્ટમેન્ટના મકાનમાં આગ લગાવી દેતા મકાનની તમામ ઘરવખરી સળગીને ખાખ થઈ જતા મામલો પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
બનાવની મળતી માહિતી અનુસાર સંજયભાઈ પટેલે પોતાનું પ્રિતમનગર સોસાયટીનું મકાન મિતેશ પ્રિતમ ભવાની અને તેઓની પત્ની જ્યોતિને ભાડેથી આપ્યું હતું. જે મકાન દંપતી પચાવી પાડવાનો ઈરાદો ધરાવતુ હોવાથી તેમજ દંપતીનો ભૂતકાળ ગુનાહિત હોવાથી તેઓને મકાન ખાલી કરાવી દીધુ હતું. જેની રીસ રાખી દંપતી વારંવાર મકાન માલિક સંજય પટેલના ઘરે જઈ ઝઘડો કરતા હતા.
ગત તા.૧૬-૧-ર૦૧૯ના રોજ આનંદ એપાર્ટમેન્ટના મકાન નંબર ૧૪માં રહેતા સંજયભાઈ અંબાલાલ પટેલના ઘરે અગાઉના ઝઘડાની રીસ રાખી જ્યોતિબેન તથા તેનો પતિ મિતેશ દારૂના નશામાં ધસી આવી જ્યોતિએ મકાન માલિક સંજયભાઈ પટેલ સાથે ઝપા-ઝપી કરી છાતીના ભાગે નખ મારી ઈજા કરતા સંજય પટેલ પોતાના બાળકો સાથે ઘર છોડી તાત્કાલિક સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા જતા સંજયભાઈ પટેલના મકાનમાં ઘૂસી દારૂના નશામાં ચકચૂર જ્યોતિ તથા તેના પતિએ ઘરમાં આગ લગાડી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ જ્યોતિની પોલીસે ધરપકડ કરી હતી.
ઘરમાં આગ લગાવતા ઘરમાં રહેલ ટીવી, ફ્રીજ, કબાટ, એસી, પલંગ સહિત તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા પોલીસે જ્યોતિ મિતેશભાઈ ભવાની તથા તેનો પતિ મિતેશ પ્રિતમભાઈ ભવાની સામે ગુનો દાખલ કરી જ્યોતિની ધરપકડ કરી હતી. જ્યારે પતિ મિતેશ ભાગી જવામાં સફળ રહ્યો હતો. એપાર્ટમેન્ટમાં આગના પગલે સ્થાનિકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા પરંતુ આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર-ફાઈટરને થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
દંપતી સામે પ્રોહિબિશનનો ગુનો સરકાર તરફે દાખલ કરાયો : પી.વી. પાટીલ
આનંદ એપાર્ટમેન્ટના મકાનમાં જૂની અદાવતે મકાન સળગાવી દેવાના પ્રકરણમાં ઝડપાયેલી મહિલા જ્યોતિ ભવાની દારૂના નશામાં હોવાથી તેનું મેડિકલ કરી તેની સામે પ્રોહિબિશન એકટનો ગુનો સરકાર તરફેણ પોલીસ ફરિયાદ બની છે અને તેનો પતિ મિતેશ પણ દારૂના નશામાં હોવાનું પત્નીની કબૂલાતના પગલે દંપતી સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરાયો હોવાનું પોલીસ મથક પીએસઆઈ પી.વી. પાટીલે જણાવ્યું હતું.