(એજન્સી) તા.૨૯
ભારતીય અર્થવ્યવસ્થાનો એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ગત પાંચ વર્ષમાં સૌથી ધીમી ગતિએ વિકાસ થયો છે. નબળા રોકાણ વૃદ્ધિ અને સુસ્ત માગ તેનું મુખ્ય કારણ છે. રોયટર્સ દ્વારા હાથ ધરાયેલા અર્થશાસ્ત્રીઓના સરવેમાં આ વાત સામે આવી હતી. અહેવાલ અનુસાર જૂન ત્રિમાસિકમાં વાર્ષિક વિકાસ દર ૫.૭ ટકાની ઝડપથી અર્થવ્યવસ્થા વધવાની આશા હતી પણ આ ગત ત્રિમાસિકના વિકાસ દર ૫.૮ ટકાથી પણ ઓછી છે. સરવેમાં સામેલ લગભગ ૬૫ અર્થશાસ્ત્રીઓમાંથી ૪૦ ટકાએ ૫.૬ ટકા કે તેનાથી ઓછા વિકાસ દરની આશા વ્યક્ત કરી છે. જીડીપીના સત્તાવાર આંકડા શુક્રવારે જારી થશે. જો પૂર્વાનુમાન સાચો સાબિત થશે તો ગત સાત વર્ષમાં આ પહેલીવાર બનશે જ્યારે નાણાકીય વર્ષમાં પહેલી ત્રિમાસિકની નબળી શરૂઆત થશે. ફિક્કીના અર્થશાસ્ત્રીઓના સરવેમાં પણ જીડીપી વિકાસ દરને આ ત્રિમાસિકમાં વાર્ષિક વિકાસ દરના અંદાજથી ઓછો ગણાવાયો છે. સેન્ટ્રલ બેન્કની ઓગસ્ટની બેઠકમાં નીતિ નિર્માતાઓ દ્વારા નબળા આર્થિક વિકાસને લઈને વ્યક્ત કરેલી ચિંતા તેનાથી વધી જશે. મંદ ઈકોનોમીને ગતિ આપવા માટે આગામી મહિનામાં રેટમાં કાપ મૂકવામાં આવી શકે છે. સરવેમાં ૨૧થી ૨૬ ઓગસ્ટ વચ્ચે વાર્ષિક વિકાસ ને લઈને અલગથી એક સવાલ કરાયો હતો. મોટાભાગના લોકો માનતા હતા કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે સરેરાશ વૃદ્ધિ દર નબળી શરૂઆત છતાં ૬.૫ ટકા રહેવાની આશા છે. પણ ગત મહિને ૬.૮ ટકાની ભવિષ્યવાણી અને આરબીઆઈના અંદાજ ૬.૯ ટકાથી ઓછી છે. આરબીઆઈએ પણ ૨૦૧૯-૨૦૨૦ માટે પોતાના અંદાજમાં ઘટાડો કરી દીધો છે.