(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૩
શહેરમાં કોરોના વાયરસનાં પોઝીટીવ કેસો મળ્યા બાદ આરોગ્ય તંત્ર અને કોર્પોરેશન યુદ્ધનાં ધોરણે કામ પર લાગ્યું છે. જ્યારે કોરોના વાયરસનાં ટેસ્ટ માટે સેમ્પલ બહાર મોકલવાને બદલે હવે સયાજી હોસ્પિટલમાં જ કોરોના વાયરસનો ટેસ્ટ કરવાની રાજ્ય સરકારે પરવાનગી આપી હોવાનું જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું. સાથે જ આગામી ૮ થી ૧૦ દિવસ અત્યંત ગંભીર હોવાથી લોકોને ઘરમાં જ રહી સહકાર આપવાની અપીલ કરી હતી.
જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા શહેર-જિલ્લામાં તંત્ર, પાલિકા, આરોગ્ય તંત્ર અને પોલીસ દ્વારા તકેદારી અને અગમચેતીનાં તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. વડોદરા શહેર-જિલ્લામાં કુલ-૨૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૬ પોઝીટીવ અને ૧૮ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. અને ૩ સેમ્પલનાં હજુ રીપોર્ટ આવવાનાં બાકી છે. શહેર-જિલ્લામાં ધારા-૧૪૪ નો અસરકારક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ પોઝીટીવ દર્દીઓને નિર્ધારીત પ્રોટોકોલ મુજબ આઇસોલેશનમાં રાખી સારવાર કરવામાં આવી રહી છે. વડોદરા શહેર-જિલ્લાની તમામ વ્યાજબી ભાવોની દુકાનોમાં એપ્રિલ માસનો અનાજનો જથ્થો એડવાન્સમાં આપવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર-જિલ્લામાં નાગરીકોને આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં તકલીફ ન પડે તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.
આ અંગે જણાવતા રાજ્ય સરકાર દ્વારા વડોદાર ખાતે નિમાયેલા ખાસ ફરજ પરનાં અધિકારી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે એપેડેમીક એકટની જોગવાઇ મુજબ વડોદરા કોર્પોરેશન વિસ્તારને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર શહેરીજનોને ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. જ્યારે મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકડાઉનની ફરિયાદપણે પાલન કરવા અપીલ કરું છું. સાથે જ શહેરના ૬ લાખ ઘરોમાં ડોર ટુ ડોર સર્વેની અને મેડિકલ સ્ટાફ દ્વારા ચેકીંગ હાથ ધરવાની યોજના છે. વડોદરા શહેરમાં વિદેશથી આવેલા ૩૮૦૦ જેટલા નાગરીકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.