(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
૨૬૫૪ કરોડનો ચુનો લગાવનાર કૌભાંડી અમીત ભટનાગરને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીઝ (એફજીઆઇ) સભ્ય પદેથી દુર કરવા માટે ગુનો પુરવાર થાય તેની રાહ જોઇ રહ્યું છે. ભટનાગરની સામે સીબીઆઇ અને ઇડીએ ફરિયાદ દાખલ કરી હોવા છતાં એફજીઆઇ આ કૌભાંડીને દુર કરવા માટે રાહ જોઇ રહી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર ડાયમંડ પાવર કંપનીનો સંચાલક અમિત ભટનાગર લઘુ અને મધ્યઉદ્યોગો માટે કામ કરતાં ગુજરાતનાં સૌથી મોટા એફજીઆઇનો પણ સભ્ય છે. કરોડોનાં કૌભાંડી અમિતને એફજીઆઇનાં ચેરમેન બનવાનાં અભરખા હતા. તેણે ચેરમેન બનવા માટે મંત્રી સૌરભ પટેલને પણ વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે મજબુત વિરોધી લોબીનાં કારણે તે ચેરમેન બની શકયો ન હતો. પરંતુ અમિત ભટનાગર ઉપર મંત્રીનો હાથ હોવાથી એફજીઆઇમાં તે ધાર્યું કરાવતો હતો. વડોદરા ખાતે ૨૦૧૬માં સ્વિચ એકસ્પ્રોમાં અમિતે એફજીઆઇનો ભરપુર ઉપયોગ કર્યો હતો. આજે પણ આ એકસ્પ્રોમાં કામ કરનાર અનેક લોકોનાં લાખો રૂપિયા અમિત ચુકવ્યા નથી. તેના પાસે કોઇ નાણાં માટે માંગણી કરી ત્યારે તે સરકારમાંથી નાણાં આવ્યા નથી તેવો જવાબ આપતો હતો. એકસ્પ્રોમાં કામ કરનાર કંપનીઓ પણ અમિતનાં માથે મંત્રીનો હાથ હોવાથી કોઇ કાર્યવાહી કરી શકતા ન હતા. અમિતનું રૂપિયા ૨૬૫૪ કરોડનું બેંક કૌભાંડ બહાર આવતા એફજીઆઇએ સ્વીચ એકસ્પ્રોમાં કામ કરનાર જે કંપનીનાં નાણાં ચુકવાયા નથી તે કંપનીની વિગતો મંગાવવાની શરૂઆત કરી છે. કૌભાંડી અમિતનાં છાટા એફજીઆઇ જેવી પ્રતિસ્થીત સંસ્થા ઉપર પડી રહ્યાં છે. કૌભાંડી અમિતને એફજીઆઇનાં હોદ્દા પરથી કેમ દુર કરવામાં આવતો નથી તે અંગે એફજીઆઇનાં પ્રમુખ નિતીન માંકડે જણાવ્યું હતું કે, એફજીઆઇનાં બંધારણમાં અમિત સામે હાલમાં આરોપ મુકાયેલા છે. તેના ઉપર આરોપ પુરવાર થશે ત્યારે બંધારણ મુજબ તેની સામે કાયદાકીય તમામ કાર્યવાહી કરવામાં આવશે. એકસ્પ્રોમાં લોકોનાં નાણાં બાકી પડે છે તે અંગે એફજીઆઇએ શું કાર્યવાહી કરી તેનાં પ્રત્યુત્તરમાં પ્રમુખ માંકડે જણાવ્યું હતું કે, એકસ્પ્રોમાં જે કંપનીનાં નાણાં બાકી છે તેની વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. પરંતુ કેટલીક રકમ ચુકવવાની બાકી પડે છે તે અંગેની આંકડાકીય કોઇ માહિતી નથી. પરંતુ આગામી સપ્તાહ સુધી કેટલીક કંપનીઓનાં કેટલાક નાણાં બાકી પડે છે અને કુલ કેટલી રકમ છે તે સ્પષ્ટ થઇ જશે. એફજીઆઇનાં સભ્યો અમિતનું કરોડોનું કૌભાંડ બહાર આવતા આ સંસ્થા સાથે જોડાયેલ નાની-મોટી કંપનીનાં સંચાલકો પણ અમિતને એફજીઆઇનાં સભ્યપદેથી દુર કરવાનો ગણગણાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.