(એજન્સી) તા.૧૧
લેબેનોનની રાજધાની બૈરૂતમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ માટે જવાબદાર રસાયણ વાસ્તવમાં એક ક્રિસ્ટલ સોલ્ટ છે. એમોનિયમ અને નાઈટ્રેટ એસિડ વડે ખૂબ જ સસ્તા ધોરણે તેનું ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તે પાકને જરૂરી નાઈટ્રોજન પૂરો પાડે છે. આ ખાંડ જેવું બારીક રસાયણ ચોક્કસ પરિસ્થિતિઓમાં વિસ્ફોટકમાં રૂપાંતરિત થઈ જાય છે. તાપમાન ૩ર.ર ડિગ્રી સેલ્સિયસ થતાની સાથે જ તેનું રાસાયણિક બંધારણ બદલાઈ જાય છે અને સાથે સાથે તેના ગુણધર્મો પણ બદલાય છે. આ રસાયણ ખૂબ જ વિસ્ફોટક હોવાથી ઘણા દેશોમાં તેના વ્યવસાય સંબંધિત નિયમો ઘણા આકરા છે. છેલ્લા ૧૦૦ વર્ષોમાં આ રસાયણના કારણે અનેક મોટી દુર્ઘટનાઓ ઘટી હતી.