(એજન્સી) લંડન, તા.૧૪
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે સઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યા અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માગણી કરી છે, ખાશોગીની હત્યા ૨૦૧૮માં તુર્કીના ઈસ્તંબુલમાં સઉદીના કોન્સ્યુલેટની અંદર સઉદીની ટુકડીએ કરી હતી. લંડન સ્થિત માનવ અધિકારની સંસ્થાએ ટ્‌વીટર પર કહ્યું હતું કે, પત્રકારની હત્યાના આરોપીઓ પર સઉદી અરેબિયાની કાર્યવાહી “પારદર્શક નથી” અને ઉમેર્યું હતું કે, સ્વતંત્ર અને પારદર્શક સઉદી ન્યાયતંત્રની ગેરહાજરીમાં, “અમે સત્ય અને ન્યાય માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ માટે માગણી કરીએ છીએ. સંગઠને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અંતિમ ચુકાદો સઉદી અધિકારીઓના ભયાનક ગુનામાં સામેલ હોવાનું ટાળે છે અને લાશને શોધવાની અવગણના કરે છે.” મંગળવારે સંયુક્ત રાષ્ટ્રએ ખાશોગીની હત્યાના ગુનેગારો સામે જાહેર કરાયેલા અંતિમ ચુકાદાની ટીકા કરતા કહ્યું હતું કે, આ ગુનાના વ્યાપમાં વધારો કરતો નથી, જ્યારે બીજી બાજુ સુનાવણી “પારદર્શિતાથી દૂર” છે. સઉદી અરેબિયાની અદાલતે ખાશોગીના પરિવારે દેખીતી રીતે તેના હત્યારાઓને માફ કર્યા પછી અને મૃત્યુદંડની સજાને ઘટાડવા સક્ષમ થયાના ચાર મહિના પછી સોમવારે ખાશોગીની હત્યાના મામલે સોમવારે આઠ લોકોને સાતથી ૨૦ વર્ષની જેલની સજા સંભળાવી હતી.