(એજન્સી) લંડન, તા.૧૪
માનવ અધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું છે કે, ઈઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે શાંતિમાં ઈઝરાયેલની ગેરકાયદે વસાહતો દૂર કરાવવી જોઈએ.
હાલમાં જ ઈઝરાયેલ અને અરબ દેશો વચ્ચે થયેલ સમજૂતી કરાર પછી માનવ અધિકાર સંગઠને કહ્યું છે કે, માનવ અધિકાર ભંગના બધા જ વિવાદોનો અંત થવો જોઈએ અને પીડિતોને ગુનાઓ બદલ ન્યાય તેમજ વળતર મળવો જોઈએ. એમ્નેસ્ટીએ ટ્‌વીટર ઉપર આપેલ એક નિવેદનમાં કહ્યું કે, કોઈ પણ સમજૂતી કબ્જો કરનાર દેશ ઈઝરાયેલની કાયદાકીય ફરજોમાં ફેરફાર કરી શકે નહીં જે ફરજો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓ હેઠળ છે, પેલેસ્ટીનીઓને એમના અધિકારોથી વંચિત રાખવા જોઈએ નહીં. જે અધિકારો એમને આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ આપવામાં આવ્યા છે.
ઈઝરાયેલ સાથે યુએઈએ સંબંધો સામાન્ય કર્યા પછી બેહરીને પણ ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરતા એમ્નેસ્ટીનું નિવેદન આવ્યું છે. બેહરીન અને ઈઝરાયેલ વચ્ચે સમજૂતી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કરાઈ હતી, જેમણે પોતાના પ્રયાસોને ઐતિહાસિક સમજૂતી ગણાવી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ બેહરીનના રાજા હમાદ અને ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ દ્વારા બહાર પડાયેલ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “બે ગતિશીલ સમાજના દેશો વચ્ચે સીધી વાતચીત અને સંબંધોથી મધ્ય-પૂર્વમાં આર્થિક પ્રગતિ થશે અને આ વિસ્તારમાં સ્થિરતા, શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ વધશે. અમેરિકાએ સંકેતો આપ્યા હતા કે અમે આશા રાખીએ છીએ કે, યુએઈ અને બેહરીનના પગલે અન્ય અરબ દેશો પણ અનુસરણ કરશે.