(એજન્સી) ઝહાનાબાદ, તા.૧૧
કોરોનાનો કહેર આખા વિશ્વમાં વર્તાઈ રહ્યો છે, એવામાં બિહારના ઝહાનાબાદમાં કોરોનાના સંકટની વચ્ચે ત્રણ વર્ષના એક માસૂમ બાળકે એમ્બ્યુલન્સની રાહ જોતી માતાના ખોળામાં જ દમ તોડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કેટલાક દિવસોથી બીમાર રહેતાં પોતાના બાળકને લઈને તેની માતા ઝહાનાબાદની એક સરકારી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ડોક્ટરોએ બાળકની હાલત ગંભીર જણાતા તેને પટનાની હોસ્પિટલમાં લઇ જવાનું જણાવ્યું હતું. ઝહાનાબાદથી પટનાનું અંતર ૫૦ કિલોમીટર જેટલું છે. બાળકને પટના લઈ જવા માટે એમ્બ્યુલન્સની રાહ જોતી મહિલા લગભગ બે કલાક સુધી રસ્તામાં આમ તેમ ભટકતી રહી અને અંતે એમ્બ્યુલન્સ ન મળતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું.
બિહારના અલવર જિલ્લાના સહોપુર ગામથી આ પરિવાર આવ્યો હતો. ત્રણ વર્ષના બાળકની તબિયત ખરાબ થતાં માતા સૌથી પહેલાં બાળકને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ ગઈ હતી. ત્યાંથી ડોક્ટરોએ આ મહિલાને તેના પુત્રને ઝહાનાબાદની હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. લોકડાઉનમાં ગમે-તેમ કરીને રિક્ષાની સગવડ કરીને માતા-પિતા બાળકને ઝહાનાબાદની સદર હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટરોએ બાળકને પટનાની હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું.
હદ તો ત્યારે થઈ કે, જિલ્લાની સરકારી હોસ્પિટલ હોવા છતાં પણ આ હોસ્પિટલ ઈમરજન્સીમાં આ ગરીબ પરિવારને એક એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવી ન શકી. બીમારીને કારણે બાળક માતાના ખોળામાં તરફડતું રહ્યું. તેના પિતા એમ્બ્યુલન્સ માટે આમ તેમ ભટકતા રહ્યા. એક કલાક પસાર થઈ ગયો. બાળકની હાલત વધારે ખરાબ થતી ગઈ. ગરીબ માતા પોતાના બાળકને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદની ભીખ માંગતી રહી અને અંતે એમ્બ્યુલન્સ ન મળતાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો અને તેના માતા-પિતા વિલાપ કરતાં રહ્યા. બાળકના મૃત્યુ બાદ, આક્રંદ કરતી માતા પોતાના બાળકના મૃતદેહને હાથમાં લઈને ચાલતી જ ઝહાનાબાદથી ૨૫ કિલોમીટર દૂર આવેલા પોતાના ગામમાં જવા માટે નીકળી પડી હતી. જો કે, આ ઘટનાની જાણ થતાં કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ તેને ઘરે પહોંચાડી હતી.