(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
સુરત શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં બંધ એમ્બ્રોઈડરીના ખાતાઓમાં ચોરી કરતી ગેંગને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. પોલીસે ઝડપાયેલા પાંચ આરોપીઓ પાસેથી એમ્બ્રોઈડરીની ૨૨ ડિવાઇસ, માસ્ટર કાર્ડ અને રીક્ષા મળી કુલ રૂા.૨.૫૫ લાખની મત્તા કબજે કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાપોદ્રા પોલીસ મથકની હદમાં બની ગયેલા ઘરફોડ ચોરીના બનાવો ઉકેલી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પી.આઇ.ને સૂચના આપવામાં આવી હતી. જેને લઇને પી.આઇ. દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો ઉકેલી કાઢવા માટે પેટ્રોલિંગનો દૌર શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસીંહ રાયમલ અને પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસીંહ રવજીભાઇને બાતમી મળી હતી કે એમ્બ્રોઈડરી ખાતામાં ચોરી કરતી ગેંગના પાંચ સાગરીતો ઓટો રીક્ષામાં ફરી રહ્યાં છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી રીક્ષા સાથે પાંચને ઝડપી પાડ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા યુપીના વતની અને હાલ કતારગામ ફુલપાડા ગામના ખડી મહોલ્લામાં રહેતો ગોવિંદ ઉર્ફે પંડીત વિજયકુમાર ગૌડ, એ.કે.રોડ. ઘનશ્યામ નગરમાં રહેતો રાજેશ સંતોષ શાહુ, વિજય પ્રતાપ સ્વામિનાથ વર્મા, પુણાગામ શ્રીનાથ સોસાયટીમાં રહેતો મનોજ ગુલાબ કોલી અને ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો વતની અને હાલ મોટા વરાછા લજામણી ચોક સીટી પોઇન્ટમાં રહેતો નિકુંજ નાગજી ધામેલિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસેથી ત્રણ મોબાઇલ, ૨૨ નંગ એમ્બ્રોઈડરીના ડિવાઇસ, બે માસ્ટર કાર્ડ અને રીક્ષા મળી કુલ રૂા.૨.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ અંગે પૂછપરછ કરતા ત્રણ દિવસ પહેલાં કાપોદ્રા શ્રી કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક એમ્બ્રોઈડરીના ખાતામાંથી રૂા.૧.૪૪ લાખની મત્તા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત કતારગામ પોલીસ મથકની હદમાં આવેલી જીઆઇડીસીમાંથી પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ગેંગ બંધ એમ્બ્રોઈડરી ખાતાની રેકી કરી તેને ટાર્ગેટ કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે દરવાજાનો નકુચો તોડી ખાતામાંથી એમ્બ્રોઈડરી મશીનમાં લાગતા ડિવાઇસ, માસ્ટર કાર્ડ ખોલી ચોરી કરી લેતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે અને ચોરી કરેલો માલ નિકુંજ ધામેલિયાને વેચી દેતા હોવાનું પણ કબૂલ્યુ હોવાનું જાણવા મળે છે.